________________
૨૬૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રતિપત્તિ – ૩
તિર્યંચ ઉદ્દેશક – ૨ | સંક્ષિપ્ત સાર કારનામા
આ ઉદ્દેશકમાં સંસાર સમાપન્નક જીવોના મુખ્ય છ ભેદ અને તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ આદિનું પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ છે. તે ઉપરાંત એક સમયમાં ઉત્પન્ન થયેલા ત્રસ અને સ્થાવર જીવોનો નિર્લેપન કાલ, અણગારનું જ્ઞાન સામર્થ્ય, એક સમયમાં બે ક્રિયાના અન્યતીર્થિકોના સિદ્ધાંતનું નિરાકરણ છે.
- સંસારી જીવોના મુખ્ય છ પ્રકાર છે- પૃથ્વીકાય, અષ્કાય, તેજસુકાય, વાયુકાય, વનસ્પતિ અને ત્રસકાય. પૃથ્વીના છ પ્રકાર છે. (૧) શ્લષ્ણ પૃથ્વી-મુલાયમ માટી, (૨) શુદ્ધ પૃથ્વી, (૩) વાલુકા રેતી, (૪) મનશિલા, (૫) શર્કરા-કાંકરા, (૬) ખર–પાષાણ રૂપ પૃથ્વી. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૦૦૦ વર્ષ, ૧૨,૦૦૦ વર્ષ, ૧૪,000 વર્ષ, ૧૬,000 વર્ષ, ૧૮,૦૦૦ વર્ષ અને ૨૨,000 વર્ષની છે. પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિનું કથન ખર પૃથ્વીની અપેક્ષાએ છે. નિર્લેપનકાલ - પૃથ્વીકાયાદિમાં એક સમયમાં ઉત્પન્ન થયેલા અસંખ્ય જીવોમાંથી પ્રતિસમયે એક એક
જીવનો અપહાર કરતાં કરતાં, સંપૂર્ણતયા તે જીવોનો અપહાર થવામાં (ખાલી થવામાં)જેટલો કાલ વ્યતીત થાય, તેને નિર્લેપન કાલ કહે છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી તેનો નિર્લેપનકાલ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે.
વનસ્પતિમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત જીવોની ઉત્પત્તિ થાય છે. તેમાંથી એક-એક જીવનો પરિહાર કરતાં અનંત રાશિનો અંત આવતો નથી, તેથી વનસ્પતિકાયનો નિર્લેપન કાલ નથી. ત્રસકાયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રત્યેક સો સાગરોપમનો નિર્લેપનકાલ છે. - અવિશુદ્ધલેશી અણગાર સમુઘાતથી સમવહત હોય કે સમવહત ન હોય, તે અવિશુદ્ધ કે વિશુદ્ધલેશી દેવ, દેવી કે અણગારને જાણી શકતા નથી. વિશુદ્ધલશી અણગાર વિશુદ્ધ-અવિશુદ્ધલેશી દેવ-દેવી વગેરેને જાણી શકે છે. કારણ કે જ્ઞાન સામર્થ્ય વિશુદ્ધ આત્મપરિણામમાં છે, સૂત્રકારે અવિશુદ્ધલશી અણગારના છ અને વિશુદ્ધલેશી અણગારના છ વિકલ્પો, કુલ બાર વિકલ્પોથી પ્રશ્ન પૂછયા છે.
અન્યતીર્થિકોનું મંતવ્ય છે કે એક જીવ એક સમયમાં સમ્યક અને મિથ્યા, આ બે ક્રિયા કરે છે. તેમનું આ મંતવ્ય યથાર્થ નથી. સમ્યક અને મિથ્યા, આ બે ક્રિયા પરસ્પર વિરોધી છે. એક જીવ એક સમયમાં પરસ્પર વિરોધી એક જ ક્રિયા કરી શકે છે. જો પરસ્પર વિરોધી સમક્રિયા અને મિથ્યાક્રિયા સાથે થાય તો મિથ્યાત્વની નિવૃત્તિ અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે નહીં.
આ રીતે એક સમયમાં મિથ્યાત્વ અને સમ્યકત્વમાંથી એક ક્રિયાનો સિદ્ધાંત જ યુક્તિસંગત છે.