________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
હતા. તે યક્ષાયતનમાં મંગલરૂપે ચંદન લગાડેલા કળશો સ્થાપિત કરેલા હતા. તેના દ્વાર પર ચંદનના નાના-નાના કળશોના તોરણોની રચના કરવામાં આવી હતી. ઉપરથી નીચે સુધી લટકતી ગોળાકારે ગૂંથેલી ઘણી પુષ્પમાળાઓથી તેની દિવાલો શોભતી હતી.
૯
ત્યાં અનેક સ્થાને પંચવરણી સરસ અને સુગંધિત પુષ્પોના ગુચ્છોથી અનેક પ્રકારની રચના કરવામાં આવી હતી. ત્યાં કાલાગુરુ, સુંદરુષ્ક, તુરુષ્ક− લોબાન વગેરે સુગંધિત દ્રવ્યોનો ધૂપ કરવાથી ત્યાંનું વાતાવરણ હંમેશાં મઘમઘાયમાન રહેતું હતું. ચારેબાજુ શ્રેષ્ઠ સુગંધ ફેલાવાથી તે સુગંધની ગુટિકા જેવું લાગતું હતું.
તે યક્ષાયતન નટો, નૃત્યકારો, દોરડા પર ખેલ બતાવનારા જલ્લો, મલ્લો, મુષ્ટિ પ્રહાર કરનારાઓ, વિદૂષકો, બહુરૂપીઓ, કથા-વાર્તા કરનારા કથકો, પ્લવકો, લાસકો, આખ્યાયિકો, લંખો, મંખો, શરણાઈ અને તંબૂરા વગેરે વાજિંત્રો વગાડનારાઓ, સ્તુતિપાઠકો વગેરેથી સદા ભરચક રહેતું હતું.
યક્ષાયતનની પ્રસિદ્ધિ-કીર્તિ અનેક નગરવાસીઓ અને દૂર દેશાંતર સુધી ફેલાયેલી હોવાથી ઘણા લોકો ત્યાં આહૂતિ-દાન આપવા આવતા હતા. લોકો તે સ્થાનને દાનદેવા યોગ્ય, વંદનીય, નમસ્કરણીય, અર્ચનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ સ્વરૂપ, મંગલ સ્વરૂપ, દેવસ્વરૂપ તેમજ વિનયપૂર્વક પર્વપાસના યોગ્ય, દિવ્ય, સત્ય અને સફળ સેવાવાળું માનતા હતા.
તેના નામે હજારો માણસો દાન દેતા હતા. ઘણા લોકો પોતાના મનોરથની પૂર્ણતા માટે તેની પૂજાઅર્ચના કરતા હતા. તે યક્ષાયતનની ચારે બાજુ વનખંડ-ઉધાન હતું. તે વનખંડની બરાબર મધ્યમાં એક વિશાળ ઊંચું, દર્શનીય અશોક વૃક્ષ હતું. તે અશોકવૃક્ષની નીચે, તેના થડથી થોડે દૂર પાટ જેવી એક વિશાળ પૃથ્વીશિલા હતી. તે પૃથ્વીશિલા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સપ્રમાણ હતી. તે ઉજ્જવળ શ્યામ વર્ણની હતી. તે આંજણ, મેઘ, તલવાર, નીલકમલ, બલદેવના વસ્ત્ર, આકાશ, કેશ, કાજળની ડબ્બી, ખંજન ઇત્યાદિ વસ્તુઓના પ્રકાશ જેવી પ્રકાશિત હતી અર્થાત્ તે પૃથ્વીશિલા અંજનાદિની જેમ શ્યામ પ્રભાવાળી હતી.
તે જ રીતે તેનો વર્ણ પન્ના, પથ્થરને ચિકણો કરવા માટેનો પથ્થર અથવા કસોટીનો પથ્થર, કલિત્ર– કાળો કંદોરો અને આંખની કીકી વગેરે વસ્તુઓના પુંજ જેવો હતો. તે શિલા સજલમેઘ જેવી શ્યામ હતી. તેને આઠ ખૂણા હતા. તેનો તલભાગ અરીસા જેવો ચમકતો અને રમણીય હતો. તે પૃથ્વીશિલા ઈહામૃગ–વરુ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, વ્યંતરદેવ, રુરુમૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા તેમજ પદ્મલતા વગેરે ચિત્રોથી ચિત્રિત હતી. તે આજિનક–ચર્મમય વસ્ત્ર, રૂ, બૂર, માખણ, અર્કતૂલ—આંકડાના રૂ જેવા અત્યંત મુલાયમ અને કોમળ સ્પર્શવાળી હતી. તે સિંહાસન જેવા આકારવાળી હતી. તે આહ્લાદજનક, દર્શનીય, સુંદર અને સુંદર આકૃતિસંપન્ન હોવાથી અપૂર્વ શોભાયુક્ત હતી.
३ सेयो राया, धारिणी देवी, सामी समोसढे, परिसा णिग्गया जाव राया पज्जुवासइ ।
ભાવાર્થ :- તે આમલકપ્પા નગરીમાં શ્રેય નામના રાજા રાજ્ય કરતા હતા. તે શ્રેયરાજાને ધારિણી નામની દેવી-પટરાણી હતી. આમલકલ્પાના આમ્રશાલવન ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરવા નીકળી યાવત્ રાજા પ્રભુની ઉપાસના કરવા લાગ્યા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આમલકલ્પા નગરીના શ્વેત નામના રાજા અને ધારિણી નામની તેની પટ્ટરાણીનું