________________
શ્રી વિવાઈસૂત્ર
ત્યાં લાંચ લેનારા રિશ્વતી, ખીસ્સાકાતરુઓ, ધાડપાડુઓ, ચોરો, બળજબરીથી કર વસૂલ કરનારાઓ ન હતા. તે નગર આવા સમસ્ત ઉપદ્રવોથી રહિત હતું. ત્યાંની પ્રજા હંમેશાં ક્ષેમકુશળ, નિરુપદ્રવી હતી, ભિક્ષુકોને ભિક્ષા પ્રાપ્તિ સુલભ હતી. લોકો વિશ્વસ્ત બની નિશ્ચિતપણે સુખપૂર્વક નિદ્રા લેતા હતા અર્થાત્ રાત્રે દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા. તે નગરી કરોડો કુટુંબોથી વ્યાપ્ત હોવા છતાં લોકોને કોઈપણ પ્રકારના કષ્ટનો અનુભવ થતો નહીં. તે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સહજ રીતે પ્રાપ્ત થતી હતી.
ત્યાં નાટક કરનારા નટો, નૃત્યક્રિયા કરનારા નર્તકો, દોરડા પર ચઢીને ખેલ કરનારા જલ્લો, મલક્રીડામાં નિપુણ મલ્લો અર્થાતુ પહેલવાનો, મુષ્ટિથી પ્રહાર કરનારા મૌષ્ટિકો, વિવિધ વેશભૂષા અને ભાષાઓ દ્વારા બીજાને હસાવનારા વિદૂષકો, કથાકારો, કૂદવા અથવા તરવાની ક્રિયામાં નિપુણ પ્લવકો, રાસ રમવામાં નિપુણ લાસકો, શુભાશુભ શકુનનું કથન કરનારા આચક્ષકો(નૈમિત્તજ્ઞો), ચિત્રપટ દેખાડીને આજીવિકા કરનારા મંખો, મોટા-મોટા વાંસડાની ટોચ ઉપર ચઢીને ખેલ બતાવનારા લખો, તૂણા નામનાં વાદ્યવિશેષ વગાડનારાબાજીગરો, વીણાવાદકો, કરતાલ આદિ દ્વારા તાલદઈને લોકોને ખુશ કરનારા તાલચરો વગેરે વિવિધ પ્રકારે મનોરંજન કરાવનારા મનુષ્યો હંમેશાં રહેતા હતા.
તે નગરી માલતીલતા આદિના સમૂહથી, વૃક્ષરાજિથી શોભતા પ્રદેશોયુક્ત આરામોથી, પુષ્પગુચ્છોના ભારથી લચી પડેલા નાના નાના વૃક્ષોથી યુક્ત ઉદ્યાનો અને કૂવા, તળાવ, સરોવર, દીધિકા અને વાવો વગેરે રમ્યતાદિ ગુણોથી સંપન્ન હતી. તે મેરુપર્વતના નંદનવન જેવી શોભાસંપન્ન લાગતી હતી.
તે નગરીની ચારે બાજુ ગોળાકાર ખાઈ હતી. તે ખાઈ અતિ પહોળી અને તળિયું ન દેખાય તેવી ગંભીર-ઊંડી, ઉપરથી પહોળી અને નીચે સાંકડી હતી. તેની ચારે બાજુ કોટ હતો. તે કોટ ચક્ર, ગદા, મુસુંઢી વગેરે શસ્ત્રોથી તથા અવરોધ-શત્રુસૈન્યને રોકવા માટે બીજા નાનાકિલ્લાથી અર્થાત્ બેવડી ભીંતથી યુક્ત હતો તથા સેંકડો શત્રુઓને હણી નાખે તેવી શતની નામની તોપ વિશેષથી અને મજબૂત, છિદ્રરહિત અત્યંત સઘન એક સરખા બે દરવાજાઓથી યુક્ત હતો. તેથી નગરીમાં શત્રુઓનો પ્રવેશ થઈ શકતો ન હતો. તે નગરીની ચારે બાજુનો તે કિલ્લો વાંકા વળેલા ધનુષથી પણ વધારે વાંકો હતો અર્થાત્ તે કિલ્લો ધનુષાકારે હતો. તે કોટના કાંગરાઓ ગોળાકાર ઘાટિલા અને સુશોભિત હતા, કોટ ઉપર અટ્ટાલિકા-અગાસીઓ બનાવેલી હતી. કોટના મધ્યભાગમાં દરવાજા હતા. ત્યાંથી આઠ હાથના પહોળા રસ્તાઓ નીકળતાં હતા, કોટના મુખ્ય દરવાજેથી નગરીમાં પ્રવેશ થઈ શકતો હતો. તે દ્વાર ઉપર સુંદર તોરણો હતા. જુદા-જુદા સ્થાને પહોંચવા માટે જુદા-જુદા રસ્તાઓ નીકળતા હતા. નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલી અર્ગલાઆગળીયાથી અને કમાડોને સજ્જડ બંધ કરવા લોખંડના ખીલારૂપ ભોગળથી નગરીના દ્વારો બંધ થઈ જતા હતા.
તે નગરીની બજાર, અનેક દુકાનો અને વ્યાપારીઓ તથા કુંભાર, વણકર વગેરે કારીગરોથી ભરચક રહેતી હતી. આ રીતે આવશ્યક પ્રયોજનોની સિદ્ધિ સહજ રીતે થતી હોવાથી લોકોની ચિત્તવૃત્તિ સુખમય રહેતી હતી. નગરીના શૃંગાટક-શીંગોડાના આકારના ત્રિકોણ સ્થાનોમાં, ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિક સ્થાનોમાં, ચાર રસ્તા ભેગા થતાં હોય તેવા ચતુષ્ક સ્થાનોમાં, અનેક રસ્તાઓ ભેગા થતાં હોય તેવા ચત્રોમાં, વસ્તુઓના ક્રય-વિક્રય માટે અનેક દુકાનો બનાવેલી હતી. તે દુકાનો વિવિધ પ્રકારની વેચાણ સામગ્રીઓથી શોભતી હતી અને દુકાનોથી નગરી પણ સુંદર, સુરમ્ય–આલ્હાદકારી લાગતી હતી.
નગરીના રાજમાર્ગો રાજાના ગમનાગમનથી તેમજ અનેક શ્રેષ્ઠ ઘોડાઓ, મદોન્મત્ત હાથીઓ,