________________
ઉવવાઈ સૂત્રઃ પરિચય
પરિચય
શ્રી ઉવવાઈ (ઔપપાતિક) સૂત્ર
૧
વિષયની દષ્ટિએ આ આગમના બે વિભાગ છે. (૧) સમવસરણ અને (૨) ઉપપાત. (૧) સમવસરણ :
આ વિભાગમાં મુખ્યતયા અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પોતાના વિશાળ પરિવાર સાથે પધાર્યા તેનું વિસ્તૃત વર્ણન છે.
ચંપાનગરીના કોણિકરાજા ભગવાન મહાવીર સ્વામીના અનન્ય ભક્ત હતા. પ્રતિદિન ભગવાનના વિહારના સમાચાર મેળવવા માટે તેમણે એક સંદેશવાહકની નિમણૂક કરી હતી. તે સંદેશવાહક દ્વારા ભગવાનના સમાચાર જાણીને કોણિક રાજા તે દિશામાં સાત-આઠ કદમ ચાલી પરમાત્માને ભાવપૂર્વક
વંદન કરતા હતા.
ભગવાન જ્યારે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા ત્યારે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના ઘણા દેવ-દેવીઓ પોતાની દિવ્યઋદ્ધિ સહિત ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. તે જ રીતે રાજા કોણિક પોતાની પટ્ટરાણી ધારિણી, પારિવારિક જનો સહિત સંપૂર્ણ રાજસી ઠાઠ-માઠથી ભગવાનના દર્શન કરવા ગયા. સૂત્રકારે આ પ્રસંગની પાર્શ્વભૂમિકામાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, વનખંડ, પૃથ્વી શિલાપટ્ટક, કોણિક રાજા, ધારિણી રાણી, તીર્થંકર, તીર્થંકરનો શિષ્યપરિવાર અને કોણિક રાજાની દર્શન યાત્રા તથા ભગવાનની દેશનાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તે ઉપરાંત બાર પ્રકારના તપના ભેદ-પ્રભેદનું વિશ્લેષણ કર્યું છે.
નગરી :– જ્યાં કોઈ પણ પ્રકારનો રાજ્યકર લેવાતો ન હોય તેને નગરી કહે છે. નગરીની સુરક્ષા માટે કાંગરા સહિતનો સુશોભિત કિલ્લો, તેમાં મુખ્ય પ્રવેશ દ્વાર, નાના-નાના અન્ય દરવાજાઓ, મોટા મોટા રાજમાર્ગો, કયાંક ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવા ત્રિક માર્ગો, તે રીતે ચતુષ્ક માર્ગો, ચત્વરો, લોકોની અવર-જવર માટે સુવિધાજનક રસ્તાઓ, મોટી બજારો, વિવિધ દુકાનો અને દરેક પ્રકારના વાહનોની વ્યવસ્થા હોય તે નગરીનું બાહ્ય સ્વરૂપ છે.
પ્રજાજનોને સર્વ પ્રકારની જરૂરિયાતો સહજતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે અનુકૂળ આવાસો, ધન-ધાન્ય, ઘી, દહીં, દૂધ આદિ ગોરસની પ્રચુરતા, કૂવા, નદી, તળાવ આદિ જલાશયો તેમજ દરેક વ્યક્તિ પોતાની યોગ્યતા પ્રમાણે આજીવિકા પ્રાપ્ત કરી શકે તે માટે ખેતી-વાડી, વણાટ કાર્ય, કુંભારી કાર્ય, સુથારી કાર્ય, લુહારી કાર્ય અને વિવિધ વ્યાપારો હોય, તે નગરીનું આંતરિક સ્વરૂપ છે.
પ્રજાજનોના આનંદ પ્રમોદ માટે ઉદ્યાનો, દર્શનીય સ્થાનો, વિવિધ કલાકારો હોય, પ્રજાજનોની સુરક્ષા માટે સુવ્યવસ્થિત સુરક્ષાદળ હોય તે નગરીનું એક મહત્ત્વનું અંગ છે.
ચંપાનગરીમાં આ સર્વ પ્રકારની વ્યવસ્થા હતી. તેથી પ્રજાજનો પરસ્પર પ્રેમ અને મૈત્રીભાવપૂર્વક શાંતિ-સમાધિથી જીવન વ્યતીત કરી રહ્યા હતા.