________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
ઉવવાઈ નિદર્શન
શ્રી ઉવવાઈ સૂત્ર એક અલૌકિક શાસ્ત્ર છે. આગમકારે આ નાના શાસ્ત્રમાં આટલા વિરાટ વિષયનો સમાવેશ કર્યો છે, તે ખરેખર ! આશ્ચર્યજનક છે.
ઉવવાઈ સૂત્રના અધ્યયન વખતે આપણું મન જરાપણ અટકતું નથી. જાણે રસના ઘૂંટડા પીતા હોઈએ, તેવો આનંદ આવે છે. જોકે આપણા શાસ્ત્રો જે રીતે જે સમયમાં રચાયા છે, તેમાં રચનાકારનું, લેખકનું કે શાસ્ત્રકારનું નામ હોતું નથી. શાસ્ત્રકાર તરીકે ભગવાનની વાણી છે અને ગણધરોએ ગૂંથી છે, તે પારંપરિક માન્યતા છે. આ માન્યતા મૌલિક રીતે સત્ય છે પરંતુ ભગવાન ની વાણીને શબ્દોમાં ગૂંથવામાં અલગ–અલગ અભિવ્યંજનાવાળા મસ્તિષ્કયુક્ત શારદાપુત્રોનું કલાયુક્ત નિબંધ થયું છે અને અલૌકિક રીતે નિરૂપણ થયું છે.
હવે આપણે આ દષ્ટિએ ઉવવાઈ સૂત્ર ઉપર વિચાર કરીશું અને તેનું મૂલ્યાંકન કરવા યથાસંભવ પ્રયાસ કરીશું. જોકે શાસ્ત્રના મૂલ્યાંકન કરવા દુર્ગમ છે પરંતુ વર્તમાન યુગને અનુસરીને વિદ્વાનોને કંઈક ખોરાક આપી શકાય, તે દૃષ્ટિએ પ્રયાસ કરવામાં આવે છે.
આ શાસ્ત્રમાં જેટલો આધ્યાત્મિક વિષય છે અને ઉત્કૃષ્ટ ત્યાગ માર્ગ ઉપર જેટલો પ્રકાશ પાથર્યો છે તે તો અવર્ણનીય છે જ પરંતુ તેની સાથે સાહિત્યિક ભાવો અને લચ્છાદાર ભાષામાં પ્રસંગોનું વર્ણન અને નિરૂપણ થયું છે, તે કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ અજોડ છે.
અહીં આપણે શ્રીઉવવઈ સૂત્રના તત્ત્વજ્ઞાનના ભાવોનું વર્ણન સંક્ષેપમાં કરીશું પરંતુ તે પૂર્વ સાહિત્યિક ભાવોની સમીક્ષા કરીશું.
21