________________
શ્રી વિપાક સૂત્ર
હોય તેનો મુખ્ય આધાર તે જીવના પૂર્વકૃત કર્મો છે. જીવ પોતાનાં જ પ્રમાદનાં કારણે ભિન્ન ભિન્ન જન્માંતર કરે છે. પુનર્જન્મ કર્મસંગી જીવોના થાય છે. અતીત કર્મોનું ફળ આપણું વર્તમાન જીવન છે અને વર્તમાન કર્મોનું ફળ આપણું ભાવી જીવન છે. કર્મ અને પુનર્જન્મનો અવિચ્છેદ્ય સંબંધ છે.
૪
આયુષ્ય કર્મના પુદ્ગલ પરમાણુ જીવમાં દેવ-નારક આદિ અવસ્થાઓમાં ગતિની શક્તિ ઉત્પન્ન કરે છે તેથી જીવ નવા જન્મ સ્થાનમાં ઉત્પન્ન થાય છે.
ભગવાન મહાવીરે કહ્યું– ક્રોધ, માન, માયા અને લોભ આ પુનર્જન્મના મૂળનું પોષણ કરનારા છે. ગીતામાં કહ્યું છે... જેવી રીતે જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરી મનુષ્ય નવાં કપડાં પહેરે છે એ જ પ્રમાણે જીર્ણ યા જૂના શરીરને ત્યજી જીવ મૃત્યુ પછી નવા શરીરને ધારણ કરે છે. આ આવર્તન પ્રવૃત્તિથી થાય છે. તથાગત બુદ્ધે પોતાના પગમાં કાંટો વાગવા પર કહ્યું કે આ વિપાક ફળ મેં પૂર્વજન્મમાં કરેલા પ્રાણી વધનું
છે.
નવજાત શિશુને હર્ષ, ભય, શોક આદિ થાય છે તેનું મૂળ કારણ પૂર્વજન્મની સ્મૃતિ છે. જન્મતાં જ બાળક સ્તનપાન કરવા લાગે છે તે પૂર્વજન્મમાં કરેલા આહારના અભ્યાસનું કારણ છે. જેમ એક યુવકનું શરીર બાળક શરીરની ઉત્તરવર્તી અવસ્થા છે તે જ પ્રમાણે બાળકનું શરીર પૂર્વજન્મ પછી થનારી અવસ્થા છે.નવજાત શિશુમાં જે સુખ દુઃખનો અનુભવ થાય છે, તે પણ પૂર્વ અનુભવયુક્ત હોય છે. જીવન પ્રતિ મોહ અને મૃત્યુના । પ્રત્યે ભય છે, તે પણ પૂર્વબદ્ધ સંસ્કારોનું પરિણામ છે. જો તે અનુભવ પૂર્વ જન્મોમાં ન હોત તો સદ્યોજાત શિશુમાં એવી વૃત્તિઓ ન હોઈ શકે. આ પ્રમાણે અનેક યુક્તિઓ દ્વારા ચિંતકોએ પુનર્જન્મ સિદ્ધ કરેલ છે.
કર્મની સત્તા સ્વીકારવા પર તેનાં ફળરૂપ પરલોક અથવા પુનર્જન્મની સત્તા પણ સ્વીકારવી જોઈએ. જે કર્મોનું ફળ વર્તમાન ભવમાં નથી મળતું તે કર્મોને ભોગવવા માટે પુનર્જન્મ માનવો આવશ્યક છે. પુનર્જન્મ અને પૂર્વભવ માનવામાં ન આવે તો કૃતકર્મનો નિર્હેતુક વિનાશ અને અકૃત કર્મને ભોગવવાનું માનવું પડશે. આવી સ્થિતિમાં કર્મ વ્યવસ્થા દૂષિત થઈ જશે. આ દોષોના પરિહાર કરવા માટે જ કર્મવાદીઓએ પુનર્જન્મની સત્તા સ્વીકારી છે.
(૩૯) પાશ્ચાત્ય વિચારક અને પુનર્જન્મ
ભારતના બધા દાર્શનિકોએ જ નહીં પરંતુ પાશ્ચાત્ય વિચારકોએ પણ પુનર્જન્મના સંબંધમાં વિચાર અભિવ્યક્ત કરેલ છે. તેનો સંક્ષિપ્ત સારાંશ આ પ્રમાણે છે–
(૧) ગ્રીસ દેશના મહાન તત્ત્વવેત્તા પ્લેટોએ દર્શનની વ્યાખ્યા કરી છે અને તેનું કેન્દ્રબિંદુ પુનર્જન્મને માનેલ છે.
(૨) પ્લેટોના પ્રિય શિષ્ય એરિસ્ટોટલ પુનર્જન્મના સિદ્ધાંતને માનવા માટે એટલા બધા આગ્રહશીલ હતા કે તેઓએ પોતાના સમકાલીન દાર્શનિકોને આહ્વાન કરતાં કહ્યું હતું કે આપણે ક્યારે ય એ મતનો આદર ન કરવો જોઈએ કે અમે માનવ છીએ તથા આપણા વિચાર મૃત્યુલોક સુધી જ મર્યાદિત ન રાખતાં આપણા દૈવી અંશને જાગૃત કરી અમરત્વને પ્રાપ્ત કરીએ.