________________
કર્મ સિદ્ધાંત – ચિંતન
નોંધ :– આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત વિપાક સૂત્રની પ્રસ્તાવનાથી ઉદ્ભુત અને સંપાદિત
કર્મસિદ્ધાંત એક ચિંતન
દેવેન્દ્ર મુનિ– શાસ્ત્રી
૧૯૯
(૧) ભારતીયદર્શનોમાં કર્મવાદનું મહત્ત્વ :
ભારતીય તત્ત્વચિંતક મહર્ષિઓએ કર્મવાદ ઉપર ખૂબ જ ઊંડું ચિંતન કર્યું છે. ન્યાય, સાંખ્ય, વેદાંત, વૈશેષિક, મીમાંસક, બૌદ્ધ અને જૈન આ બધા દાર્શનિકોએ કર્મવાદ સંબંધી ચિંતન કર્યું છે. માત્ર દર્શન જ નહીં પરંતુ ધર્મ, સાહિત્ય, જ્ઞાન, વિજ્ઞાન અને કલા આદિ પર કર્મવાદની પ્રતિછાયા સ્પષ્ટરૂપે દેખાય છે. વિશ્વના વિશાળ મંચ ઉપર સર્વત્ર વિષમતા, વિવિધતા, વિચિત્રતાનું એક છત્ર—સામ્રાજ્ય જોઈને પ્રબુદ્ધ વિચારકોએ કર્મના અદ્ભુત સિદ્ધાંતની વિચારણા કરી છે. ભારતના પ્રત્યેક માનવના મનની એક ધારણા છે કે પ્રાણીમાત્રને સુખ અને દુ:ખ મળે છે, તે પોતાનાં જ કરેલાં કર્મનું ફળ છે. કર્મબદ્ધ આત્મા અનાદિકાળથી અનેકવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. જન્મ-મરણનું મૂળ કર્મ છે અને દુઃખનું ઉદ્ભવસ્થાન કર્મ જ છે."કરે તેવું પામે" તે ઉક્તિ અસાર જે જીવ કર્મ બાંધે છે, તે જ તેનું ફળ ભોગવે છે અર્થાત્ પ્રત્યેક આત્માના કર્મ સ્વસંબદ્ધ જ છે, પર સંબદ્ધ નથી.
એ સત્ય છે કે બધા જ ભારતીય દાર્શનિકોએ કર્મવાદની સ્થાપનામાં યોગદાન આપ્યું છે પરંતુ જૈન પરંપરામાં કર્મવાદનું જેવું સુવ્યસ્થિત સ્વરૂપ છે તેવું અન્ય દર્શનોમાં નથી. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી મંતવ્ય એટલું અલ્પ છે કે તેમાં કર્મવિષયક કોઈ મહત્વપૂર્ણ ગ્રંથ જ નથી. જ્યારે જૈન સાહિત્યમાં કર્મસંબંધી અનેક સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ છે. જૈન પરંપરામાં કર્મવાદ પર અત્યંત સૂક્ષ્મ, સુવ્યવસ્થિત અને ખૂબ જ વિસ્તૃત વિવેચના છે. એટલું અધિકારપૂર્વક કહી શકાય કે કર્મસંબંધી સાહિત્યનું સ્થાન જૈન સાહિત્યમાં મહત્વપૂર્ણ છે અને તે સાહિત્ય "કર્મશાસ્ત્ર" અથવા "કર્મગ્રંથ"ના નામથી સુપ્રસિદ્ધ છે. સ્વતંત્ર કર્મગ્રંથો સિવાય પણ આગમ અને આગમેત્તર જૈનગ્રંથોમાં ઘણી જગ્યાએ કર્મ સંબંધી ચર્ચા ઉપલબ્ધ છે.
(ર) કર્મ સંબંધી જૈન સાહિત્ય :
ભગવાન મહાવીરથી લઈને આજ સુધીમાં કર્મશાસ્ત્રનું જે સંકલન કરવામાં આવ્યું છે, તેના બાહ્યરૂપે ત્રણ પ્રકારો કરી શકાય છે—
(૧) પૂર્વાત્મક કર્મશાસ્ત્ર (૨) પૂર્વોતૃત કર્મશાસ્ત્ર (૩) પ્રાકરણિક કર્મશાસ્ત્ર.