________________
[ ૧૫૬ ]
શ્રી વિપાક સૂત્ર
માનતા હર્ષવિભોર બન્યા. આ પ્રમાણે (૧) સૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાં જ સહજ નિષ્પન્ન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું અર્થાત્ સમ્યગુ દર્શનની પ્રાપ્તિ થઈ.
તેનાં ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા (૧) સુવર્ણવૃષ્ટિ (૨) પુષ્પવૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) 'અહો દાન–મહાદાનની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સુમુખ ગાથાપતિના નામનો જયજયકાર થવા લાગ્યો. સુમુખે યથા સમયે મનુષ્યાયુનો બંધ કર્યો અને ત્યાંથી અનેક વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમાર રૂપે જન્મ લીધો છે. તેમણે સુપાત્રદાનના સર્વાગ સુંદર, સંયોગથી આ પ્રકારની ઋદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ તે બધાને પ્રિયકર લાગે છે.
આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો- ભંતે ! સુબાહુકુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? ભગવાને કહ્યું– કેટલોક સમય શ્રાવક વ્રતનું પાલન કરશે. ત્યાર બાદ સંયમ ગ્રહણ કરશે. યથા સમયે ભગવાને ત્યાંથી વિહાર કર્યો.
શ્રમણોપાસકના શ્રેષ્ઠ ગુણો યુક્ત સુબાહુકુમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા, તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચારી રહ્યા છે, તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ.
સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં હતિશીર્ષ નગરમાં પધાર્યા. માતાપિતાની આજ્ઞા લઈ સુબાહુકુમાર દીક્ષિત થયા. તેઓએ અગિયાર અંગ કંઠસ્થ કર્યા. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સુબાહુ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગિયારમાં દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે આ ભવ સાથે પંદરમા ભવમાં સંયમ તપની આરાધના કરી મોક્ષે જશે.