________________
૧૫૪
શ્રી વિપાક સૂત્ર
સુખવિપાક સૂત્રના કથાનાયક સુબાહુકુમાર આદિને પણ અસંખ્યકાળ સુધી સંસારમાં રહેવું પડશે પરંતુ તેના દીર્ઘકાળનો અધિકાંશ ભાગ સ્વર્ગીય સુખોના ઉપભોગમાં અથવા સુખમય માનવ ભવમાં જ વ્યતીત થશે.
પુણ્યકર્મના ફળથી થનાર સુખરૂપ વિપાક અને પાપાચારના ફળ સ્વરૂપ થનાર દુઃખમય વિપાક, આ બંનેની તુલના કરીએ તો ખ્યાલ આવશે કે પાપ અને પુણ્ય બંને બંધન રૂપે હોવા છતાં પણ બંનેનાં ફળમાં અંધકાર અને પ્રકાશ જેટલું અંતર છે.
મુમુક્ષુ સાધક એકાંત રૂપે સંવર અને નિર્જરાના કારણભૂત સંયમ તપમાં જ રમણ કરે છે. પુણ્ય અને પાપ બંને પ્રવૃત્તિઓથી દૂર રહે છે, છતાં કર્મ બંધ તો છઠ્ઠા ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાન સુધી ચાલુ જ રહે છે. તે બંધમાં પુણ્ય પ્રકૃતિઓનો બંધ વધારે છે, પાપ પ્રકૃતિઓનો બંધ ઓછો છે. એ પુણ્ય પાપ કર્મ પ્રકૃતિઓ જુદી છે. તે જ રીતે પુણ્ય અને પાપની પ્રવૃત્તિઓ પણ જુદી છે. સંયમસાધક આત્માઓ પુણ્ય પ્રવૃત્તિઓ કરતા નથી પરંતુ સંવર, નિર્જરાની પ્રવૃત્તિઓ જ કરે છે. તેનાથી તેઓને શુભ કર્મ એટલે પુણ્યકર્મનો બંધ થયા કરે છે.
વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં પુણ્યશાળી પુરુષોનું વર્ણન છે. તેમાં પણ પ્રથમ શ્રુતસ્કંધની જેમ દશ અધ્યયન છે.
પ્રથમ અધ્યયનમાં સુબાહુકુમારનું વર્ણન છે. પરમ પુણ્યના ઉદયથી સુબાહુને રાજ પરિવારમાં જન્મ તેમજ શ્રમણ ભગવાન મહાવીરના સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પુણ્યયોગે તેનું શરીર સુંદર, મનોહર, સૌમ્ય અને પ્રિય હતું. તે એટલા બધા પ્રિયદર્શનીય હતા કે ગૌતમ સ્વામી જેવા વિરક્ત મહાપુરુષનું હૃદય પણ તેમના તરફ આકૃષ્ટ થયું. ગૌતમ સ્વામી ભગવાનને તેમની મનોહરતા અને સૌમ્યતાનું કારણ પૂછયું, તેના પૂર્વભવના વિષયમાં પૃચ્છા કરી, તેના ઉત્તરરૂપે સુખવિપાક સૂત્રના ભાવો પ્રરૂપિત થયા છે.
ક્યાં મૃગાપુત્ર આદિનું દુઃખોથી પરિપૂર્ણ લાંબુ ભવભ્રમણ અને ક્યાં સુબાહુકુમારાદિનું સુખમય સંસારનું ભ્રમણ ? બંનેની તુલના કરવાથી પાપ અને પુણ્યનું અંતર સરળતાથી સમજી શકાય છે.
પ્રથમ અધ્યયનના સુબાહુકુમારના વર્ણનની જેમ જ શેષ બીજાં અધ્યયનોમાં પુણ્યશાળી નવ આત્માઓનું વર્ણન છે. નામ આદિની ભિન્નતા હોવા છતાં પણ મુખ્ય તત્ત્વ સમાન છે.