________________
૧૦૨
સાતમું અધ્યયન
શ્રી વિપાક સૂત્ર
પરિચય :
આ અધ્યયનનું નામ "ઉંબરદત્ત" છે. આમાં પ્રબળ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા દુઃખી સાર્થવાહ પુત્રનું જીવન વૃત્તાંત છે.
પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ નામના રાજા રહેતા હતા. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. એક રાત્રે તેને વિચાર આવ્યો અને તદનુસાર પતિની આજ્ઞા લઈ નગર બહાર ઉંબરદત્ત યક્ષના યક્ષાયતનમાં જઈ, યક્ષનું પૂજન કરી, પુત્રની યાચના કરી અને દાન ભંડાર ભરવાનો સંકલ્પ કરી યક્ષની માનતા કરી.
યથાસમયે ગંગદત્તાએ એક પુત્રને જન્મ આપ્યો. યક્ષપ્રદત્ત તે બાળકનું નામ ઉંબરદત્ત રાખ્યું. તે નાની ઉંમરમાં જ તેના મા–બાપનું મૃત્યુ થયું. તેનું ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂકયો. ઉંબરદત્ત દુર્વ્યસની બની ગયો. તીવ્ર પાપોદયે તેને સોળ મહારોગ થયા. તેના હાથ, પગની આંગળીઓ સડવા લાગી. નાક, કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરુ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવં દીનતાપૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં ત્યાં ભટકતો રહેતો. તેની પાસે માટીનું ઠીબડું હતું, તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી જીવન પસાર કરતો.
ગૌતમ સ્વામીએ છઠના પારણે ગોચરી અર્થે નગરના પૂર્વના દરવાજે પ્રવેશ કર્યો. ત્યાં તેઓએ આ દુઃખી માણસને જોયો. બીજા છઠના પારણે દક્ષિણના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્રીજા છઠના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ કર્યો, ચોથા છઠના પારણે ઉત્તર દિશાના દરવાજેથી નગરમાં પ્રવેશ કર્યો. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. તે દુ:ખી માણસ વિષયક જિજ્ઞાસા થતાં ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો.
આ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધનવંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં અને નગરના શ્રીમંત તેમજ ગરીબ, સર્વ દર્દીઓનાં દર્દનો ઉપચાર કરતો હતો.
ઉપચાર અને પથ્યમાં ધનવંતરી વૈધ લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુંસુમાર આદિ જલચરોનું તથા બકરાં, સૂવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઘેટાં આદિ પશુઓનાં માંસના આહારની પ્રેરણા કરતો. કેટલાકને તેતર, બતક, કબૂતર, કૂતરાં, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉક્ત પ્રકારનાં માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી તેણે ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી,