________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અનુકરણ કરો ? સ્વયંવરના નિયમાનુસાર જ્યારે કન્યાએ પોતાના ઈચ્છિત વરનો સ્વીકાર કરી લીધો છે, ત્યારે આપ લોકો શા માટે બાધક બનો છો ? રાજા ન્યાય—નીતિના રક્ષક હોય છે, નાશક નહિ. આપ સહુ સુજ્ઞ અને શાણા છો, થોડામાં વધુ સમજો.
૨૮૦
આ ન્યાયસંગત વાતને સાંભળી નીતિપરાયણ સજ્જન રાજાઓ તો તરત જ સમજી ગયા અને
તેઓએ યુદ્ધમાંથી પોતાનો હાથ ખેંચી લીધો. તેઓ વિચારવા લાગ્યા કે આ વાતમાં અવશ્ય કોઈ રહસ્ય છે. આ પ્રકારની નિર્ભીક અને ગંભીર વાણી કોઈ સાધારણ વ્યક્તિની ન હોઈ શકે. પરંતુ દુર્જન અને દુરાગ્રહી રાજા પોતાના દુરાગ્રહ પર અટલ રહ્યા. જ્યારે વસુદેવજીએ જોયું કે હવે સામનીતિથી કામ સફળ થશે નહિ, આવા દુર્જન તો દંડનીતિ–દમનનીતિથી જ સમજશે, ત્યારે તેમણે કહ્યું, "જેમને વીરતાનું અભિમાન હોય તે આવી જાવ મેદાનમાં ! હમણાં બધાને મજા ચખાડી દઉં.”
વસુદેવજીના વચનોથી દુર્જન રાજાઓ ઉશ્કેરાયા, ઉત્તેજિત થઈને શસ્ત્રપ્રહાર ચાલુ થઈ ગયા પરંતુ શૂરવીર, યુદ્ધવીર વસુદેવજીએ શત્રુ પક્ષના સમસ્ત શસ્ત્રોનો નાશ કરીને વિજય પ્રાપ્ત કર્યો.
રાજા રૂધિર પણ વસુદેવજીના પરાક્રમથી તથા તેમના વંશનો પરિચય મેળવી મુગ્ધ થઈ ગયા. હર્ષિત થઈને તેમણે વસુદેવજી સાથે રોહિણીના લગ્ન કરી દીધા. રોહિણીને સાથે લઈને વસુદેવજી પોતાના નગરમાં પાછા આવ્યા. તે વસુદેવ–રોહિણીનો પુત્ર બલરામ જ શ્રીકૃષ્ણના મોટાભાઈ હતા.
આ રીતે કિન્નરી, સુરૂપા અને વિદ્યુન્મતીને માટે પણ યુદ્ધ થયું. આ ત્રણે ય અપ્રસિદ્ધ છે. કેટલાય લોકો વિધ્રુન્મતીને એક દાસી કહે છે, જે કોણિક રાજા સાથે સંબંધિત હતી અને તેના માટે યુદ્ધ થયું હતું. આ રીતે કિન્નરી પણ ચિત્રસેન રાજા સાથે સંબંધિત મનાય છે, જેના માટે રાજા ચિત્રસેનની સાથે યુદ્ધ થયું હતું. જે હોય તે, સંસારમાં જ્ઞાત—અજ્ઞાત, પ્રસિદ્ધ—અપ્રસિદ્ધ, અગણિત મહિલાઓના નિમિતથી ભયંકર યુદ્ધ થયા છે.
܀܀܀܀܀