________________
૨૭૬ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અને સુગ્રીવ. સુગ્રીવની પત્નીનું નામ તારા હતું. તે અત્યંત રૂપવતી અને પતિવ્રતા હતી. એક દિવસ ખેચરાધિપતિ સાહસગતિ નામનો વિદ્યાધર તારાનું રૂપ–લાવણ્ય જોઈ તેના પર આસક્ત થઈ ગયો. તે તારાને મેળવવા માટે વિદ્યાના બળથી સુગ્રીવનું રૂપ બનાવીને તારાના મહેલમાં પહોંચ્યો. તારાએ અમુક ચિહ્નોથી જાણી લીધું કે મારા પતિનું બનાવટી રૂપ ધારણ કરીને આ કોઈ વિદ્યાધર આવ્યો છે. અતઃ આ વાત તેણે પોતાના પુત્રોને તથા જામ્બવાન આદિ મંત્રીઓને કરી. તે પણ બંન્ને સુગ્રીવને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમને અસલી અને નકલી સુગ્રીવની ઓળખ ન પડી તેથી તેમણે બંને સુગ્રીવને નગરીની બહાર કાઢી મૂકયા. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું, પરંતુ હારજીત કોઈની ન થઈ. નકલી સુગ્રીવ કોઈપણ રીતે હારતો નહોતો, દૂર જતો નહોતો. અસલી સુગ્રીવ વિદ્યાધરોના રાજા મહાબલી હનુમાનજી પાસે આવ્યો અને તેણે તેમને બધી વાત કરી. હનુમાનજી ત્યાં આવ્યા પરંતુ બંને સુગ્રીવમાં કોઈ જ ફેર ન જાણી શકતા કાંઈ પણ સમાધાન ન કરી શક્યા અને પોતાના નગરમાં પાછા આવ્યા.
અસલી સુગ્રીવ નિરાશ થઈને શ્રી રામચંદ્રજીના શરણમાં પહોંચ્યો. તેણે પોતાની દુઃખકથા સંભળાવી. શ્રીરામ અને લક્ષ્મણ તેની સાથે પ્રસ્થાન કરી કિર્કિંધા આવ્યા.
તેમણે અસલી સુગ્રીવને પૂછ્યું તે નકલી સુગ્રીવ ક્યાં છે? તું તેને લલકાર અને તેની સાથે યુદ્ધ કર. અસલી સુગ્રીવ દ્વારા લલકારતા જ યુદ્ધરસિક નકલી સુગ્રીવ પણ રથ પર આરૂઢ થઈને લડાઈને માટે યુદ્ધના મેદાનમાં આવી પહોંચ્યો. બંને વચ્ચે ખૂંખાર યુદ્ધ થયું. રામ પણ અસલી કે નકલીનો નિર્ણય કરી શક્યા નહીં. નકલી સુગ્રીવથી અસલી સુગ્રીવ ખૂબ પરેશાન થઈ ગયો. તે નિરાશ થઈને પુનઃ શ્રીરામની પાસે આવીને કહેવા લાગ્યો- દેવ! આપના હોવા છતાં મારી આવી દુર્દશા થઈ. આપ સ્વયં મને સહાયતા કરો. રામે તેને કહ્યું– "તું ભેદસૂચક એવું કોઈ ચિહ્ન ધારણ કરી લે અને તેનાથી પુનઃ યુદ્ધ કર. હું અવશ્ય તેને તેના કાર્યનું ફળ ચખાડીશ."
અસલી સુગ્રીવે તેમ જ કર્યું. જ્યારે બન્ને વચ્ચે યુદ્ધ થઈ રહયું હતું ત્યારે શ્રીરામે નકલી સુગ્રીવને ઓળખીને બાણથી તેને વિંધીને તેનું કામ પૂર્ણ કર્યું. તેથી સુગ્રીવ પ્રસન્ન થઈને શ્રીરામ અને લક્ષ્મણને સ્વાગત પૂર્વક કિર્ડિંધા લઈ ગયો. ત્યાં તેમનો સત્કાર અને સન્માન કર્યું. સુગ્રીવ હવે પોતાની પત્ની તારાની સાથે આનંદથી રહેવા લાગ્યો.
આ રીતે રામ અને લક્ષ્મણની સહાયતાથી સુગ્રીવે તારાને પ્રાપ્ત કરી અને જીવનભર તેમનો ઉપકાર માનતો રહ્યો.
કાંચના :
કાંચનાને માટે પણ સંગ્રામ થયો હતો. પરંતુ તેની કથા અપ્રસિદ્ધ હોવાથી અહી તે આપવામાં આવી નથી. કોઈ ટીકાકાર મગધસમ્રાટ શ્રેણિકની ચલણા રાણીને જ 'કાંચના' કહે છે. જે હોય તે, કાંચના પણ યુદ્ધની નિમિત્ત બની છે.