________________
जंबु ! तइयं च अदत्तादाणं हरदहमरणभयकलुसतासणपरसंतिगऽभेज्ज लोभमूलं कालविसमससिय...जाव चिरपरिचियमणुगतं दुरतं तइयं अहम्मदारं ।।
અહીં અદત્તાદાનરૂપ ત્રીજા આશ્રયદ્વારનું ખૂબ જ વિશદ વર્ણન છે. આ બધા વર્ણનો ખૂબ જ સમાચબદ્ધ ભાષામાં કાવ્યમય રીતે કરેલા છે. જેમાં તે વખતના સામાજિક અન્યાયો, જાનવરો ઉપર ગુજારવામાં આવતા ત્રાસ, ચોર તથા હત્યારાને દેવાતા ભયંકર દંડ, આ બધાનું પ્રશ્નવ્યાકરણમાં સ્પષ્ટ ચિત્ર ઉપસાવેલું છે. એ જ રીતે મનુષ્યના મનના માનસિક વિકલ પ્રવાહો, સમાજમાં રહેલી જડ બદીઓનું આશ્રવ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા આશ્રવદ્વારોને નરકગતિનું કારણ માની વ્યક્તિ અને સમાજને સાવચેત કર્યા છે. પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેમ આશ્રવદ્વારોનું વર્ણન કરે છે તેમ સંવરદ્વારોનું પણ વર્ણન કરે છે અને સંવરના નામે વ્યક્તિ તથા સમાજનું ઉત્થાન થાય, ઊંચકોટિની રાજનીતિનો જન્મ થાય તેવી વિશદ વ્યાખ્યા આપવામાં આવી છે. શાસ્ત્રમાં જે રીતે આશ્રવ-સંવર કારોનું વર્ણન છે તે ફક્ત વ્યક્તિલક્ષી નથી પરંતુ સમગ્ર સમાજને સ્પર્શ કરે તેવું છે અને શાસ્ત્રકારની સામાજિક દષ્ટિ પદે પદે પ્રગટ થાય છે. જે લોકો એવો આક્ષેપ કરે છે કે ભારતીય શાસ્ત્રોમાં અને જૈન શાસ્ત્રોમાં ફક્ત વ્યક્તિગત સાધનાનો જ ઉલ્લેખ છે અને આ શાસ્ત્રો સામાજિક વ્યાપક દષ્ટિ ધરાવતા નથી, તે લોકોના આરોપનો પ્રશ્નવ્યાકરણ પૂરેપૂરો પ્રત્યુત્તર આપે છે જે આ શાસ્ત્રને ઊંડાણથી વાંચતા સ્પષ્ટ સમજી શકાય છે.
પ્રશ્નવ્યાકરણ ઉપર આટલું કહ્યા પછી આમુખ પૂરો કરતાં પહેલા શ્રી ત્રિલોકમુનિજી મ. સા. તેમજ વિદ્વાન સાધ્વી રત્નોને હું અહીં શત–શત અભિનંદન આપતા હર્ષનો અનુભવ કરું છું. તેઓએ શાસ્ત્રોને સુંદર રીતે સ્પર્શ કરી સામાન્ય ભાષામાં અનુવાદ કરી અતિ સુંદર પ્રકાશન સાથે સમાજની સામે પ્રગટ કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. સંકલન માટે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ પણ અભિનંદનને પાત્ર છે. વધારામાં મારે એટલું જ કહેવાનું છે કે વિદ્વાન લેખકોને મારી એ પ્રાર્થના છે કે શાસ્ત્રોની કાવ્ય ભાષાને કાવ્ય દષ્ટિએ મૂલ્યાંકન કરી જ્યાં ઉચિત લાગે ત્યાં એક-એક પેરેગ્રાફ મૂકતા જાય અને "રસાત્મકમ્ વાક્ય કાવ્યમ્" એવા રસમય પદોને સાહિત્યની દષ્ટિએ સાથે સાથે ઉજાગર કરતા જાય, ધાર્મિક જનતા સિવાય સાહિત્યકારોને અને ઈતિહાસકારોને સ્પર્શી જાય અને ભાષા શાસ્ત્રીઓને પણ તત્ત્વ પ્રાપ્ત થાય, તેવું જ્ઞાન પીરસતા રહે.
જયંતમુનિ પેટરબાર