________________
| શ્રુતસ્કંધ –ર/અધ્યયન-૨
| ૧૭૩ |
विज्जा य जंभगा य अत्थाणि य सत्थाणि य सिक्खाओ य आगमा य सव्वाई पि ताई सच्चे पइट्ठियाइं । ભાવાર્થ :- તીર્થકરો દ્વારા ભાષિત દસ પ્રકારના ભગવાન સ્વરૂપ સત્યને ચૌદપૂર્વના જ્ઞાતા મહામુનિઓએ પ્રાભૂતો(પૂર્વગત વિભાગો)થી જાણેલ છે. મહાન મહર્ષિઓએ તે સત્યને સિદ્ધાંત રૂપે આપેલ છે, સાધુઓના બીજા મહાવ્રતમાં સિદ્ધાંત દ્વારા સ્વીકૃત કરાયેલ છે. દેવેન્દ્રો અને નરેન્દ્રોએ તેના અર્થ કહ્યા છે અથવા દેવેન્દ્રો અને નરેન્દ્રોએ તેના અર્થ તત્ત્વરૂપથી કહ્યા છે. આ સત્ય વૈમાનિક દેવો દ્વારા સમર્પિત અને આસેવિત છે. તે મહાન પ્રયોજનવાળું છે. સત્યના પ્રભાવથી મંત્ર, ઔષધિ અને વિદ્યાઓની સિદ્ધિ થાય છે. તે ચારણ (વિદ્યાચારણ- જંઘાચારણ) આદિ મુનિગણોની વિદ્યાઓને સિદ્ધ કરનાર છે. માનવજનો દ્વારા વંદનીય છે, સ્તવનીય છે અર્થાત્ સ્વયં સત્ય તથા સત્યનિષ્ઠ પુરુષ મનુષ્યોની પ્રશંસાસ્તુતિનું પાત્ર બને છે એટલું જ નહીં સત્યસેવી મનુષ્યો, અમરગણો–દેવસમૂહોને માટે પણ અર્ચનીય તથા અસુરકુમાર આદિ ભવનપતિ દેવો દ્વારા પણ પૂજનીય બને છે. અનેક પ્રકારના પાખંડી વ્રતધારી તેને ધારણ કરે છે.
આ પ્રકારના મહિમાથી મંડિત સત્ય લોકમાં સારભૂત છે, મહાસાગરથી પણ ગંભીર છે, સુમેરૂ પર્વતથી અધિક સ્થિર અને અટલ છે, ચંદ્રમંડલથી પણ અધિક સૌમ્ય-મનને ગમે તેવું આહલાદક છે, સૂર્યમંડલથી પણ અધિક દેદીપ્યમાન છે, શરદઋતુના આકાશતળથી પણ અધિક નિર્મળ છે, ગંધમાદન (ગજદંત–ગિરિવિશેષ)થી પણ અધિક સુરભિ સંપન્ન છે.
લોકમાં જે સર્વ મંત્રો છે, વશીકરણ આદિ યોગ છે, જ૫ છે, પ્રજ્ઞપ્તિ પ્રભૂતિ વિદ્યાઓ છે, દસ પ્રકારના જાંભક દેવ છે, ધનુષ આદિ શસ્ત્ર છે, તલવાર આદિ શસ્ત્ર છે અથવા શાસ્ત્ર છે, કળાઓ છે, આગમ છે, તે સર્વ સત્યમાં પ્રતિષ્ઠિત છે અર્થાત્ સત્યને જ આશ્રિત છે.
વિવેચન :
પ્રથમ સંવરદ્વાર અહિંસાના વિશાળ વિવેચન બાદ બીજા સંવરદ્વારમાં સત્યનું નિરૂપણ ક્યું છે. અહિંસાની સમીચીન તેમજ પરિપૂર્ણ સાધના માટે અસત્યથી વિરક્ત થઈ સત્યની આરાધના આવશ્યક છે. સત્યની આરાધના વગર અહિંસાની આરાધના શક્ય નથી. વસ્તુતઃ સત્ય અહિંસાને પૂર્ણતા પ્રદાન કરે છે. તે અહિંસાના શણગાર રૂપ છે. માટે અહિંસા પછી સત્યનું નિરૂપણ છે.
બીજા સંવરદ્વારના પ્રારંભમાં જ સૂત્રકારે સત્યને ભગવાન તુલ્ય કહીને તેનો અચિંત્ય મહિમા પ્રગટ કર્યો છે. અસત્યની દારુણતાની સામે સત્યનો અનુપમ પ્રભાવ જોઈ, સમજી, વિચારીને કોઈ પણ હળુકર્મી જીવ સત્યની આરાધનામાં સંલગ્ન બને છે.
ઈહલૌકિક, પારલૌકિક, ભૌતિક કે આધ્યાત્મિક કોઈ પણ કાર્યની સિદ્ધિ સત્યથી જ થઈ શકે છે. શાસ્ત્રકારનું કથન સરળ અને સ્પષ્ટ છે.