________________
શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪
_
[ ૧૦૧ ]
મૈથુન(અબ્રહ્મ) સેવન કરે છે અને આત્માને મોહનીય કર્મના બંધનમાં ગ્રસ્ત કરે છે.
મનુષ્યોમાં મહાઋદ્ધિ અને ઐશ્વર્યના સ્વામી રાજા, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા આદિ વિપુલ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન ક્રોડપૂર્વના આયુષ્ય પર્યત કુશીલનું સેવન કરવા છતાં પણ અતૃપ્ત રહીને જ મરણને પ્રાપ્ત થાય છે. યુગલિક મનુષ્ય જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે; તેમાં પણ સંપૂર્ણ યૌવન અવસ્થા રહે છે, તેને રોગ, વૃદ્ધત્વ, વ્યાપાર, ખેતી આદિ કોઈ વિદ્ધ નથી; અસંખ્ય વર્ષો સુધી વિષય ભોગોનું સેવન કરવા છતાં પણ તે અતૃપ્ત અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત થાય છે.
સ્ત્રીના નિમિત્તથી પુરુષને અને પુરુષના નિમિત્તથી સ્ત્રીને વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. મૈથુન વાસનામાં આસક્ત પરસ્ત્રીગામી પુરુષ પોતાના નિયમ, સમાજની મર્યાદા, આચાર-વિચારનો ભંગ કરી દે છે. સંયમમાં લીન બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશીભૂત થઈ ક્ષણભરમાં ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. યશસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મચારી પણ કુશીલ સેવનથી અપયશ અને અપકીર્તિના ભાગી બની જાય છે. પરસ્ત્રીગામી આ લોક, પરલોક બંને બગાડે છે અર્થાત્ સર્વત્ર ભય આક્રાંત તેમજ દુઃખમય અવસ્થામાં સમય પસાર કરે છે. દા. ત. રાવણ, મણિરથ, પારથ આદિ.
પ્રાચીન સમયમાં અબ્રહ્મને કારણે સ્ત્રીઓને માટે મોટા મોટા યુદ્ધ થયા છે, લોહીની નદીઓ વહેલી છે. દા.ત. સીતા, દ્રૌપદી, રુક્ષ્મણી, પદ્માવતી, તારા, કંચના, અહલ્યા, સુવર્ણગુલિકા, વિધુમ્મતિ, રોહિણી આદિ. તે સિવાય અન્ય પણ અનેક સેંકડો ક્લેશ, વંદ્વ યુદ્ધો પણ મૈથુન તેમજ સ્ત્રીઓના નિમિત્તથી થયા છે અને થતાં જ રહે છે. અબ્રહ્મચર્યનું દુષ્પરિણામ :- મોહને વશીભૂત પ્રાણી અબ્રહ્મમાં આસક્ત થઈ મૃત્યુ સમયે અશુભ પરિણામોથી નરક અને તિર્યંચગતિમાં જાય છે. જ્યાં વિભિન્ન ભયંકર વેદનાઓનો અનુભવ કરે છે. તે ચારગતિ, ચોવીસ દંડકરૂપ સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મનું ફળ અતિશય દુ:ખજનક છે, ક્ષણ માત્રનું સુખ છે અને અપાર દુઃખોનું ભાજન છે.
પરસ્ત્રીગામી પ્રાણી અબ્રહ્મના સેવનથી પોતાની શાંતિનો ભંગ કરે છે; તે નિંદિત થાય છે; દુષ્ટ રીતે વધ, બંધન આદિ અવસ્થાને પ્રાપ્ત થાય છે; નરકગતિના મહેમાન બને છે. તે ભવોભવ અબ્રહ્મની તુણામાં પડી રહે છે તેમજ ભોગ સામગ્રીથી વંચિત રહે છે. તે દીર્ઘકાળ સુધી અનેક પ્રકારની ભીષણ દુસ્સહ યાતનાઓ ભોગવે છે. દુઃખવિપાક સૂત્રમાં પણ અબ્રહ્મચર્યના દારુણ વિપાકને અનેક કથાઓ દ્વારા સમજાવ્યો છે.
અબ્રહ્મચર્યના પરિણામોને જાણી શાશ્વત સુખ ઈચ્છનારે ઈન્દ્રિય સંયમ, મનોસંયમ રાખી, વિકારભાવો ઉપર વિજય મેળવી, બ્રહ્મચર્યની સાધના-આરાધના કરવી જોઈએ.