________________
આ આગમની વર્ણનશેલી અત્યંત વ્યવસ્થિત છે. પ્રત્યેક સાધકના નામ, નગર, ઉદ્યાન, યક્ષાયતન, રાજા, માતા, પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, ઈહલૌકિક તથા પારલૌકિક ઋદ્ધિ, પાણિગ્રહણ, પ્રીતિદાન, ભોગોનો પરિત્યાગ, પ્રવ્રજ્યા, દીક્ષાકાળ, શ્રુતગ્રહણ, તપોપધાન, સંલેખના, સંલેખના ભૂમિ, સંલેખના દિન તથા અંતક્રિયા કરી સિદ્ધિગમનનો ક્રમિક ઉલ્લેખ કર્યો છે.
અંતગડદશામાં વયની દૃષ્ટિએ અતિમુક્ત જેવા બાળમુનિ અને ગજસુકુમાલ જેવા રાજપ્રાસાદના સૌના દુલારા ગણાતા કુમાર પણ સાધનાના ક્ષેત્રમાં ઊતરીને સિદ્ધગતિને પામ્યા તો જાતિની અપેક્ષાએ રાજાઓ, રાજકુમારો, રાજરાણીઓ, શ્રેષ્ઠીઓ, ગાથાપતિઓ સાધના માર્ગે ચરણ માંડીને અંતે પરમાત્મદશાને પામ્યા તો બીજી તરફ ઉપેક્ષિત વર્ગવાળા શુદ્રજાતિય પણ સન્માન સાધના ક્ષેત્રમાં સમાનરૂપથી આગળ વધી સિદ્ધિને વર્યા છે. સાધના અને સિદ્ધિ કોઈની વંશ વારસાગત વસ્તુ નથી. જે સાધક અપૂર્વ ઉત્સાહ અને અડીખમ પગ રાખી પોતાને સાધના માર્ગે ઝુકાવે છે, માર્ગમાં જે ડરતો નથી... થાકતો નથી, થોભતો નથી, થોથવાતો નથી, હારતો નથી, ઉતાવળો થતો નથી, આવેશયુક્ત થતો નથી, ક્ષમા, ધૈર્ય, તિતિક્ષાને છોડતો નથી તે સાધક સિદ્ધિને પામી જાય છે.
આ આગમમાં પ્રાયઃ સાધકોએ માવજીવન છથી લઈ ઉગ્રમાં ઉગ્ર તપસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો ગજસુકમાલ જેવા સાધકે ધ્યાન દ્વારા, તો અર્જુનમાળીએ ક્ષમા–સહનશક્તિ, વૈર્યતા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોની પાસેથી શું શું લેશો ? (શીખશો ?) :૧. પ્રભુ અરિષ્ટનેમિ તથા પ્રભુ મહાવીર જેવી સ્યાદ્વાદ કથનપદ્ધતિ તથા અહદ્દશા. ૨. કૃષ્ણ વાસુદેવ જેવી ધર્મશ્રદ્ધા, દયા, ધર્મદલાલી, માતૃ-પિતૃભક્તિ, ગુણગ્રહણ દષ્ટિ. ૩. કૃષ્ણ વાસુદેવની આઠ અગ્રમહિષિઓનો અપૂર્વ ત્યાગ તથા સંયમની ઉત્કંઠા. ૪. માતા દેવકી જેવી ગુર્ભક્તિ તથા પ્રભુભક્તિ.