________________
પરિશિષ્ટ-૫.
| ૨૧૭ |
(૮) વૈપાયનઋષિ-દ્વૈપાયન ઋષિ અભવ્ય જીવ હતા. જ્યારે તેણે પોતાના દ્વારા દ્વારકાનો વિનાશ થશે એવું– ભગવદ્વચન સાંભળ્યું તો તે નિમિત્તથી બચવા નગરી બહાર આશ્રમમાં રહેવા લાગ્યા. ભગવાન પાસેથી નગરી નાશના ત્રણ કારણ જાણીને કૃષ્ણ મહારાજે બધી સુરા(મદિરા) ગામ બહાર ફેંકાવી દીધી. એક દિવસ કેટલાક કુમારો નગરી બહાર રમવા ગયા. તરસ લાગવાથી પાણી ગોતતા આશ્રમ પાસે આવ્યા અને ખાડામાં સુરા પડી હતી તે પી લીધી. શરાબના(દારૂના નશામાં ચકચૂર યાદવ કુમારોએ યજ્ઞ કરતા વૈપાયન ઋષિને જોયા. તેઓએ મરેલા એક સાપને ઉંચકી ઋષિ ઉપર ફેંક્યો તથા તેમને ખૂબ હેરાન પરેશાન કર્યા. ત્યારે ક્રોધિત થઈ દ્વૈપાયન ઋષિએ દ્વારકાના વિનાશનું નિદાન કરી દીધું.
શ્રીકૃષ્ણ અને બળદેવના અનુનય-વિનયથી તે બંનેને ન બાળવાનું ઋષિએ વચન આપ્યું. શ્રીકૃષ્ણ ભગવાનને પૂછી દ્વારકા બચાવવા માટે ઘેર-ઘેર આયંબિલ તપ કરાવવાનો આરંભ કરાવ્યો.
અહીં દ્વૈપાયન ઋષિ અકામ નિર્જરા કરવાના કારણે મરીને અગ્નિકુમાર દેવ થયા. તેણે જ્ઞાનમાં ઉપયોગ લગાવીને પોતાના પૂર્વભવને જોયો તો તેઓ એકદમ ક્રોધિત થઈ ગયા પરંતુ તપના પ્રભાવથી બાર વર્ષ સુધી દ્વારિકાને જલાવી ન શક્યા.
દ્વારકામાં બાર વર્ષ પછી તપનું આંતરું પડ્યું. એક દિવસ સંપૂર્ણ નગરીમાં કોઈએ આયંબિલ તપ કર્યું ન હતું ત્યારે તક જોઈ અગ્નિકુમાર દેવે સંવર્તક વાયરો શરું કરી દીધો જેના કારણે આજુબાજુના ઘાસકાષ્ઠાદિ ખેંચાઈ ખેંચાઈને દ્વારકામાં આવવા લાગ્યા અને દેવે અગ્નિ લગાડી. ઘાસ-કાષ્ઠાદિના કારણે દ્વારકા જલ્દીથી બળવા લાગી. આ આગ છ મહિના સુધી ચાલી. બાજુમાં જ રહેલા સમુદ્રની અપારઅથાગ જલરાશિ પણ આગ શાંત કરવામાં કામ ન આવી. (૯) મહાબલકુમાર:– (શ્રી ભગવતી સૂત્ર-શતક-૧૧, ઉદ્દેશો ૧૧)
બળરાજાના પુત્ર મહાબલકુમાર પૂર્વભવમાં સુદર્શન શેઠ હતા. હસ્તિનાપુર નામનું નગર હતું. બલરાજાના રાણી પ્રભાવતીએ એકવાર રાત્રે અર્ધનિદ્રામાં એક સિંહ આકાશથી ઉતરીને મુખમાં પ્રવેશી રહ્યો છે એવું સ્વપ્ન જોયું. જોઈને જાગ્યાં. બલરાજા પાસે જઈ સ્વપ્ન કહી સંભળાવ્યું. રાજાએ મધુર સ્વરમાં કહ્યું સ્વપ્ન બહુ સારું છે. તેજસ્વી પુત્રની માતા બનશો.
પ્રાતઃકાલે રાજસભામાં રાજાએ સ્વપ્ન પાઠકોને સ્વપ્નફળ પૂછ્યું. સ્વપ્ન પાઠકોએ કહ્યું – રાજના સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨ સામાન્ય અને ૩૦ મહાસ્વપ્ન છે. આ પ્રમાણે કુલ ૭૨ સ્વપ્ન કહ્યા છે.
તીર્થકરની માતા અને ચક્રવર્તીની માતા ૩૦ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ સ્વપ્નોને જુએ છે–
(૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પધસરોવર (૧૧) ક્ષીર સમુદ્ર (૧૨) વિમાન (૧૩) રત્નરાશિ (૧૪) નિધૂમ અગ્નિ.
રાજન્ ! પ્રભાવતી દેવીએ આ મહાસ્વપ્ન જોયું. તેથી તેનું ફળ અર્થલાભ, ભોગલાભ, પુત્રલાભ અને રાજ્યલાભ થશે.