________________
૧૧ર |
શ્રી અંતગડ સૂત્ર
તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર, કેટલા ય જીવો દીક્ષા ન લઈ શક્યા. તાત્પર્ય એ જ છે કેસંયમની ભાવના અને સુંદર સંયોગ સર્વને મળતાં નથી. (૨) મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઈએ. પ્રમાદ–આળસ અને ઉત્સાહ હીનતાની ગફલતમાં રહી ન જવું જોઈએ. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તોપણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારિકા વિનાશનું નિમિત્ત પણ પ્રેરક હતું. આવી જ રીતે શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
(૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે જ દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે બધા જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તુટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ થઈને ધર્મારાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્યના ભરોસે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વળાંક આપવો જોઈએ, વ્રત અને મહાવ્રતોમાં અગ્રેસર રહેવું જોઈએ.
(૪) કૃષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર-ચઢાવને સમજીને એ સ્વીકારવું અને સમજવું જોઈએ કે આ બાહ્ય વૈભવ પણ જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાલ નામનો ભાઈ થશે તેવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક સામાન્ય વ્યક્તિ સોમિલે કૃષ્ણના નાના ભાઈ, પ્રભુ નેમનાથના નવદીક્ષિત અણગાર ગજસુકુમાલ મુનિને મારણાંતિક ઉપસર્ગ આપ્યો અને જે દ્વારિકા હંમેશાં તીર્થકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી નાંખી. આ સર્વ ઘટનાઓ પુણ્ય-પાપની અકળ લીલાનું જ દર્શન કરાવે છે. કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને આવા કર્મોથી હંમેશને માટે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
II વર્ગ-પ : અધ્ય-૯, ૧૦ સંપૂર્ણ II