________________
ભાવોને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે. વિચારવંત વાચકવર્ગ રસપૂર્વક જૈનાગમનું વાંચન કરશે, તો મન રસ તરબોળ બની જશે.
મગધ અને બિહાર પ્રાંતમાં ઘણા એવા શબ્દ વપરાય છે કે જે પશુઓ માટે અને વનસ્પતિ માટે એક સમાન શબ્દો છે. તેથી ક્યારેક કોઈને જેનાગમોમાં માંસાહારના ઉલ્લેખનો ભ્રમ થાય છે પરંતુ તત્કાલીન ભાષા-સાહિત્યના અનુભવથી તે વાતનું નિરસન થઈ જાય છે. (૭) ઉપસંહાર:
આ નાનકડા આમુખમાં સમસ્ત વિશેષતાઓ સમાવિષ્ટ કરવી તે ગાગરમાં સાગર ભરવા જેવું છે. અહીં તો અમે એક ઇશારો માત્ર કર્યો છે. મોટા વિદ્વાનોએ અને સંસ્કૃત અને પ્રાકૃતના પ્રકાંડ પંડિતોએ જૈનાગમનું મંથન કરી આખા ગ્રંથો બહાર પાડવાની જરૂર છે. અમે તો જેનાગમો વાંચતા જે કાંઈ આનંદની અનુભૂતિ થઈ છે અને જે કાંઈ હર્ષનાં આંસુ વહ્યાં છે તથા અન્ય દર્શનોના અધ્યયનના આધારે જૈનાગમોની જે વિશેષતાઓ નજર સામે તરી આવી છે તેનો યત્કિંચિત્ આ આમુખમાં ઉલ્લેખ કર્યો છે અને દાર્શનિક દષ્ટિએ થોડું નવનીત વલોવ્યું છે. બાકી પાઠક, આ નવનીતમાંથી ઘી બનાવે અને કીટું પડતું મૂકે તેવી કરબદ્ધ પ્રાર્થના છે.
આગમ પ્રકાશન સમિતિએ તથા સંપાદક, પ્રધાન સંપાદક મંડલે અભિગમ લખવા માટે અમારા જેવી સામાન્ય વ્યક્તિનું વરણ કર્યું તે માટે શત શત ધન્યવાદ આપતાં હું ગૌરવનો અનુભવ કરું છું. આખો લેખ લખ્યા પછી મને પણ સંતોષ થયો છે કે જૈનાગમવિષે અને ખાસ કરીને શ્વેતાંબર શાસ્ત્રો વિષે મારે જે કાંઈ કહેવું હતું તે માટે મને સુવર્ણ અવસર ઉપલબ્ધ થયો છે.
પુનઃ પુનઃ મારાથી આવાં આધ્યાત્મિક લખાણો થાય અને શાસન સેવામાં થોડું ઘણું અર્પિત કરી શકું તેવી ભાવના સાથે આ આમુખ સમાપ્ત કરું છું.
ગુરુ પ્રાણ ચરણોપાસક જયંતમુનિ પેટરબાર