________________
પરિશિષ્ટ-૪: શ્રાવકના ત્રણ મનોરથ
[ ૧૭૯]
પરિશિષ્ટ-૪
શ્રાવકના ત્રણ મનોરથ |
આરંભ પરિગ્રહ કબ ત, કબ હું મહાવ્રત ધાર.
સંથારો ધારણ કરું, યેતીન મનોરથ સાર.-ઠાણાંગ સૂત્ર - ૩ પ્રથમ મનોરથ :- શ્રાવક શ્રાવિકા દિન પ્રત્યે ત્રણ મનોરથ (ત્રણ ભાવના) ભાવે- એમાં પહેલો મનોરથ (પહેલી ભાવના) એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! હે અંતર્યામી ! હું અનંત કાળથી અજ્ઞાનપણે મહા આરંભ, મહાસમાંરભ કરી, મહામોહમાં લુબ્ધ થઈ, મહાપરિગ્રહ વધારી, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ રૂપી કષાયને આધીન થઈને, આ અસાર એવા સાર વગરના સંસારમાં રખડી રહ્યો છું; જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, પીડા ભોગવી રહ્યો છું, તોપણ પ્રભુ કયાંયથી પાર પામ્યો નહીં. આમ અનંતકાળથી રખડતાં રઝળતાં કર્મના વિપાક પરિપાક ભોગવતા, કોઈ શુભકર્મના ઉદયે કરી, પુણ્યનાં યોગે કરી હે નાથ ! તમારી કૃપાએ કરી આ ઉત્તમ મનુષ્ય દેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સંપૂર્ણ ઇન્દ્રિયો અને સર્વોત્કૃષ્ટ એવો જૈન ધર્મ પામ્યો છું. હે નાથ, આવી છતી રિદ્ધિ અને જોગવાઈ હોવા છતાં મારા અનાદિ કાળના ઊલટા સ્વભાવના પરિણામે કરી, ગાફેલ રહી, પ્રમાદ સેવી, આળસ કરી, આ રત્ન ચિંતામણી સરીખો મનુષ્ય દેહ હારી ન જાઉં, મારો ફેરો નિષ્ફળ ન જાય, માટે હે નાથ ! હે દયાળુ! હે કૃપાળુ ! મને એવી સબુદ્ધિ (સન્મતિ) આપો કે જેથી મને એમ સમજાય કે મહાઆરંભ, મહાસમારંભ દુઃખનું કારણ છે, મહામોહ, મહાપરિગ્રહ અનંત કાળ સુધી સંસાર સાગરમાં રખડાવનાર છે, રઝળાવનાર છે, એવું જાણી મહાઆરંભ, મહામોહ, મહાપરિગ્રહ ત્યાગીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરું અને શુદ્ધ રીતે પાલન કરું. અહો પ્રભુ! આવું અપૂર્વ શ્રાવકપણું હું આ દેહે, આ જન્મે પ્રાપ્ત કરું. તે દિન, તે ઘડી મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. બીજો મનોરથ - બીજી ભાવના શ્રાવક શ્રાવિકા એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! હું આ ભવમાં શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. કાળ ક્રમે મારો આત્મા એવો દઢ બલવાન થાય કે હું સાધુજીના પંચ મહાવ્રત ધારણ કરું, વિશુદ્ધ અપૂર્વ સાધુપણું જે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું મહાદુર્લભ સાધુપણું આ ભવે, આ દેહે, પ્રાપ્ત કરું. તે દિન, તે ધડી હું મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. ત્રીજો મનોરથ -ત્રીજી ભાવના શ્રાવક શ્રાવિકા એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! મારા આયુષ્ય કાળના અંતે, મરણના અવસરે, આલોવી, પડિક્કમી, નિંદી નિઃશલ્ય થઈ જગતના જીવોને ખમાવી, સંસારની સર્વ પાપકારી ક્રિયાઓથી મુકત થઈ અઢાર પાપ, ચાર આહાર અને શરીરનો ત્યાગ કરી, સંથારો કરી, શુદ્ધ ભાવે સમતા પરિણામે આ દેહ ઉપરથી માયા, મમત્વ મૂછભાવ ઉતારી, મૃત્યને અણવાંછતો થકો, જીવતરની ઇચ્છા રહિતપણે, સમાધિ મરણ, પંડિતમરણે, સંથારા સહિત કયારે મરીશ? અહો પ્રભુ ! આવું સમાધિમરણ, પંડિતમરણ, સકામમરણ આ દેહે, આ ભવે પ્રાપ્ત થાય, તે દિન, તે ઘડી હું મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. તે મૃત્યુ મારું ધન્ય ગણીશ, ધન્ય ગણીશ.