________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
કોરા લોટને ગળે ઉતારવો મુશ્કેલ છે પણ તે શીરારૂપે પરિવર્તિત થઈ જાય તો ખૂબ જ સહેલાઈથી જ ગળે ઉતરી જાય છે. તેમ તત્ત્વોની ગહન વાતો, નીતિના નિયમો સમજવા અતિ મુશ્કેલ છે. લોકોક્તિ પણ છે– દૃષ્ટાંત વિના નહીં સિદ્ધાંત અર્થાત્ દૃષ્ટાંત વિના સિદ્ધાંત સમજાય નહીં. જીવનને ઊર્ધ્વગામી બનાવતા સનાતન સત્યો, આચરવા યોગ્ય આચરણના સિદ્ધાંતોને દષ્ટાંતો દ્વારા, મહાપુરુષોની જીવન ઘટનાના ઉદાહરણો દ્વારા કે કથાઓના માધ્યમે સમજાવવામાં આવે, તો તે સહજ રીતે ગળે ઉતરી જાય છે, સમજાય જાય છે અને અંશમાત્ર બોજિલ બન્યા વિના જીવનમાં વણાય જાય છે. ઉપદેશ કે બોધને દષ્ટાંતો રસાળ બનાવે છે અને રસાળ વસ્તુ વિના આયાસે વિચારમાં અને આચારમાં સ્થાન જમાવી લે છે.
આ મનોવૈજ્ઞાનિક તથ્યને લક્ષ્યમાં રાખી નીતિકારોએ પંચસંગ્રહ જેવા કથા ગ્રંથોની રચના કરી છે તો વિશ્વના સર્વ ધર્મ સંસ્થાપકોએ વેદ, ઉપનિષદ, ત્રિપિટક, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથોમાં દષ્ટાંતો અને કથાઓનો મહદ્ અંશે ઉપયોગ કર્યો છે. ભગવાન મહાવીરે પણ સાધકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે, આત્મા–પરમાત્માની વાતો, કર્મના સિદ્ધાંતો, પુદ્ગલ સ્વભાવાદિ જેવા ગંભીર વિષયોને આત્મસાત્ કરાવવા દૃષ્ટાંતો, કથાઓ દ્વારા બોધ પ્રદાન કર્યો છે. આવી કથાઓનો સંગ્રહ એટલે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર. જોકે અંતગડ, અનુત્તરોપપાતિક અને વિપાક સૂત્ર વગેરે અંગસૂત્રો પણ કથાત્મક દેહ ધરાવે છે. તેમ છતાં શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર, કથાઓની આકર(ખાણ) રૂપ છે. ધર્મકથાની આ ખાણ વિવિધ મૂલ્યવાન કથારત્નોથી પરિપૂર્ણ છે. તેમાં આત્મ ઉન્નતિના હેતુ, આત્માની અધોગતિના કારણો, નારીની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્કર્ષની વાતો, આહારનો ઉદ્દેશ તથા શ્રદ્ધા અને અનાસક્તિ જેવા ગહન વિષયો ઉપર કથાના માધ્યમે પ્રકાશ પાડ્યો છે. જ્ઞાતાધર્મકથાની ભાષા પણ બીજા કથાત્મક અંગસૂત્રોની અપેક્ષાએ પ્રૌઢ અને સાહિત્યિક છે.
વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિજીના સમયમાં આ અંગસૂત્રની નાની–મોટી એમ બે વાચનાઓ પ્રચલિત હતી. તેઓશ્રીએ મોટી વાચનાના આધારે વૃત્તિની રચના કરી છે.
इह ग्रन्थे वाचनाद्वयमस्ति । तत्रेका बृहतरां व्याख्यास्यामः,
44