________________
અધ્ય—૧૧ : અધ્યયન સાર
અગિયારમું અધ્યયન
અધ્યયન સાર
****
પ્રસ્તુત અધ્યયનમાં દાવદ્રવ વૃક્ષોના દૃષ્ટાંતની પ્રધાનતાએ વિષયનું પ્રતિપાદન છે. તેથી આ અધ્યયનનું નામ દાવદ્રવ છે.
૨૮૩
સમુદ્રની સમીપવર્તી ભૂમિભાગ ઉપર રહેલા આ દાવદ્રવ વૃક્ષોના વનમાંથી કયારેક દ્વીપ ઉપરથી વહેતા તો કયારેક સમુદ્ર ઉપરથી વહેતા ચાર પ્રકારના પવન પસાર થાય છે.
પૂર્વદિશામાંથી વહેતા, પશ્ચિમ દિશામાંથી વહેતા, મંદ-મંદ વહેતા અને મહાવેગથી વહેતા દ્વીપ સંબંધી પવનના સંસર્ગથી ઘણા વૃક્ષો સમૃદ્ધ થઈને ખીલી ઉઠે છે. પૂર્વાદિ દિશામાંથી વહેતા સમુદ્ર સંબંધી પવનના સંસર્ગથી ઘણા વૃક્ષો કરમાઈ જાય છે, થોડા વૃક્ષો જ સમૃદ્ધ રહે છે.
આ અધ્યયનમાં દાવદ્રવ વૃક્ષોના દષ્ટાંતથી સાધકની ભિન્ન-ભિન્ન સ્થિતિ પ્રગટ કરવામાં આવી છે. અહીં દાવદ્રવવૃક્ષો સમાન સાધક જીવો, દ્વીપનાવાયુ સમાન સાધર્મીના દુર્વચનો, સમુદ્રના વાયુ સમાન અન્ય તીર્થિકોના દુર્વચનો અને પત્ર-પુષ્પ-ફળ સમાન આરાધના સમજવી.
દ્વીપના વાયુના સંસર્ગથી વૃક્ષો સમૃદ્ધ રહે તેમ સાધર્મીના વચન સહન કરવાથી મોક્ષ માર્ગની આરાધના થાય છે અને સહન ન કરવાથી મોક્ષમાર્ગની વિરાધના થાય છે.
સમુદ્રના વાયુના સંસર્ગથી વૃક્ષોની થોડી જ સમૃદ્ધિ થાય છે તેમ અન્યતીર્થિકોના દુર્વચનો સહન કરવાથી થોડી આરાધના અને સહન ન કરવાથી થોડી વિરાધના થાય છે.
દાવદ્રવ વૃક્ષના દષ્ટાંતે ચાર પ્રકારના સાધકનું કથન છે. તે આ પ્રમાણે છે–
(૧) દેશ વિરાધક– સાધર્મિકોના દુર્વચન સહન કરે, અન્યતીર્થિકોના દુર્વચન સહન ન કરે.
(૨) સર્વ વિરાધક– સાધર્મિકો કે અન્યતીર્થિકો કોઈના દુર્વચન સહન ન કરે. (૩) દેશ આરાધક– સાધર્મિકોના દુર્વચન સહન ન કરે પરંતુ અન્યતીર્થિકોના દુર્વચન સહન કરે. (૪) સર્વ આરાધક– સાધર્મિકો અને અન્ય તીર્થિકો સર્વના દુર્વચન સહન કરે.
પ્રસ્તુતમાં આરાધકતા-વિરાધકતાનો માપદંડ દુર્વચન સહિષ્ણુતા છે. કોઈ નિંદા કરે, વિદ્યમાન કે અવિધમાન દોષોને પ્રગટ કરે, જાતિ-કુલાદિને હીન બતાવી અપમાનિત કરે, કટુ-અસભ્ય વચનોનો પ્રયોગ કરે, તો તે દુર્વચનોને સાંભળી સાધુ ક્ષોભ ન પામે, દુર્વચન કહેનાર પ્રતિ લેશમાત્ર દ્વેષ ન કરે, ચિત્ત કલુષિત ન બનાવે, તો તે સહિષ્ણુ કહેવાય અને સહન કરે તે જ આરાધક કહેવાય છે. આરાધક બનવાનો પ્રધાન ગુણ છે સહિષ્ણુતા.
ન