________________
જેમાં શૃંગાર, કામ, ભોગ, ભાવના, યુદ્ધ, છલકપટ અને પરિગ્રહ સંગ્રહ ઈત્યાદિ ભાવોથી, ભરેલી બધી કથાઓ ઘણી રોચક હોય છે પરંતુ જૈન શાસ્ત્રકારોએ કથાના બે વિભાગ કર્યા, વિકથા અને ધર્મકથા. સામાન્ય સામાયિક કરનારા માણસો પણ જાણે છે કે– જૈન ઉપાસનામાં વિકથાનો ત્યાગ કરવો મહત્ત્વ પૂર્ણ છે. સંસારના મોટા ભાગના અનર્થો વિકથા સાંભળવાથી બનતા હોય છે, માટે વિકથા ત્યાજ્ય માની છે જ્યારે ધર્મકથાને ગ્રાહ્ય માની છે. ધર્મકથામાં એક મોટું ભયબિંદુ રહેલું છે, જેને આપણે મિથ્યાત્વ તરીકે ઓળખીએ છીએ. ત્યાગ અને વૈરાગ્યની ધર્મકથામાં પણ દાર્શનિક દષ્ટિએ અને અધ્યાત્મ દષ્ટિએ મિથ્યાભાવો ભરેલા હોય છે, જે જૈનદર્શનમાં પરિહાર્ય છે. એટલે ધર્મકથાની સાથે કોઈ ઉપયુક્ત વિશેષણ મૂકવું જરૂરી થઈ જાય છે.
અહીં શાસ્ત્રકારે સ્વયં “જ્ઞાતા” શબ્દ મૂકીને આ વિશેષતાને પ્રગટ કરી છે. અહીં આપણે “જ્ઞાતા” શબ્દનું વિશેષણ “ધર્મકથા”માં ઉમેરવાથી શું ઘટક બને છે તે જોઈશું. પરંતુ તે પહેલાં “કથા” શબ્દની ઉત્તરમાં “અનુયોગ” શબ્દ મૂકાય છે તેનો વિચાર કરીશુ. અનુયોગનો વિચાર :- અભિધાન રાજેન્દ્ર કોશમાં અનુયોગનો અર્થ સૂત્ર–વાક્ય કર્યો છે અર્થાત્ જેમાં અર્થ ઘણો હોય અને શબ્દ બહુ થોડા હોય, તેવા સૂત્રોને “અનુયોગ” કહેલ છે. ત્યાં “અનુ”નો અર્થ “મg' કર્યો છે. આ સિવાય જે નિશ્ચયાત્મક ભાવો છે અથવા પદાર્થના જે ગુણધર્મો છે તે બધાના સામંજસ્યને યોગ કહેવામાં આવ્યો છે અને આવા યોગોનું જેમાં અનુકરણ હોય, અનુસરણ હોય, અનુગમન હોય તેને અનુયોગ કહેવામાં આવે છે.
અહીં “ધર્મકથા” પછવાડે “અનુયોગ” શબ્દ મૂકવાનું તાત્પર્ય એ છે કે કથારૂપે કથા સાંભળ્યા પછી તેમાં આવતા નિશ્ચયાત્મક શુભાશુભ ભાવોનું અવધારણ કરવું અને ગુણાત્મક ભાવોનું અનુકરણ કરવું, વિગુણાત્મક ભાવોનો પરિહાર કરવો, તે ધર્મકથાનુયોગનું રહસ્ય છે. સામાન્ય જીવો ધર્મકથા સાંભળીને, ધર્મકથાના રસે રંગાય, તેમને ઉચ્ચપાત્રો પ્રત્યે ભક્તિ જન્મે, તે ધર્મકથાનું સામાન્ય જન ઉપકારી ફળ છે, પરંતુ જેનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે તેવા જીવો ધર્મકથામાંથી અનુયોગનો સાર મેળવી સિદ્ધાંતરૂપી મોતીઓની માળા બનાવે છે. ત્યારે આ બંને શબ્દો ખૂબ જ સાર્થક થઈ જાય છે. “ધર્મકથા” અને તેનો “અનુયોગ”. તેમાં “કથા” એ પ્રથમ ભૂમિકા છે અર્થાત્ તે શીતળ છાયા આપનારું વૃક્ષ છે. જ્યારે “અનુયોગ”એ વૃક્ષનું અમૃતફળ છે.
25 ON
: