________________
| ૨૯૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં રહે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. કષાયશીલ - તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજવલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. નિગ્રંથ :- રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. સ્નાતક - જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે.
આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તરવિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ-પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન કર્યું છે.