________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ભગવતી સૂત્રના ગૂઢાત્મક ભાવોની ઝાંખી :
આજે ભગવતીજી મહાશાસ્ત્રની પૂર્ણાહુતિરૂપે પંચમભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. તે ઘણા જ ગૌરવનો વિષય છે. ભગીરથ જ્ઞાનાત્મક પુરુષાર્થ વિના આ કાર્ય સંભવિત નથી. સમગ્ર ગુજરાતના જૈન સંઘો માટે આ એક અનુપમ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે.
ભગવતીજીના પાછલા શતકોમાં ભગવાન મહાવીરે અને તીર્થકર દેવાધિદેવોએ જ્ઞાનના જે મોતી પાથર્યા છે તેની શબ્દોમાં તુલના કરવી અશક્ય છે. તે બાબત યત્કિંચિત્ ચિંતન અને પઠન-પાઠન કરતાં જે કાંઈ સૂકમ ઝલક અંતર્મનમાં ઉદ્ભવી છે તે આ લેખમાં પ્રગટ કરવા પ્રયાસ કરીશું.
શ્રી ભગવતીજીમાં સામાન્ય માનવીની બુદ્ધિથી પરે દ્રવ્યાનુયોગના અતિ સૂક્ષ્મ ભાવોને ગણિતાનુયોગ સાથે સાંકળીને પ્રગટ કર્યા છે. તે ચિત્તની સ્થિરતા વિના ગ્રહણ કરવા સંભવ નથી. આ બધા તત્ત્વોને ગ્રહણ કરવા ધ્યાનાનુયોગનું અનુસંધાન કરવું અતિ આવશ્યક છે.
આ આગમના શતકોમાં પ્રશ્નોત્તરના જે કાંઈ ભાવાર્થ છે તેનું તો વિદ્વાન સાધ્વીજી ભાષાન્તર અને વિશ્લેષણ કરશે જ, તેથી તેવા સૂત્રોને ગ્રહણ ન કરતાં, તેમાં જે કાંઈ ગૂઢાર્થ ભર્યા પ્રશ્નાર્થ થયા છે, તે બધા વિચારણીય છે. આપણે અહીં આવા નમૂનારૂપ થોડા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું. કારણ કે ઉદ્ભવેલા બધા પ્રશ્નોને સંકલિત કરવા જઈએ તો એક નવો ભાષ્યયુક્ત ગ્રંથ જ બને.
ભગવતી સૂત્ર ભાગ-૪ ગત શતક ૨૧માં જુદી જુદી જાતના વનસ્પતિના બધા પ્રકારોને સંગ્રહી લેવામાં આવ્યા છે અને તેમાં તેને વિષે ઉત્પન્ન થનારા જીવોની ચર્ચા છે. અહીં એક પ્રશ્ન થાય છે કે વનસ્પતિ કે બીજા કોઈ પણ ધાન્ય અથવા બીજા કોઈ પદાર્થોની સૂમ ચર્ચા કરવાનું પ્રયોજન શું છે? ખરેખર! આત્મજ્ઞાન કે આત્મ ઉત્થાનમાં આ બધી પરમાણુપુગલોની કે સૂક્ષ્મ જીવોની ચર્ચા કશી ઉપકારી છે? તેનો કશો સંબંધ છે? અથવા ફક્ત જ્ઞાનાત્મકભાવે જાણવા પૂરતો ઉલ્લેખ છે?