________________
શતક-૧૮ : ઉદ્દેશક-૫
૪૧૩
શતક-૧૮ : ઉદ્દેશક-૫
સંક્ષિપ્ત સાર
★
આ ઉદ્દેશકમાં સમાન સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવોની અનેક પ્રકારની તરતમતાનું પ્રતિપાદન છે. જેમ બે મનુષ્યોમાં જે મનુષ્ય અલંકારો વગેરેથી અલંકૃત અને વિભૂષિત હોય તે દર્શનીય પ્રતીત થાય છે અને જે અલંકૃત, વિભૂષિત ન હોય તે દર્શનીય પ્રતીત થતા નથી, તેમ એક જ સ્થાનમાં રહેલા બે દેવોમાં જે દેવ અલંકૃત અને વિભૂષિત હોય તે દર્શનીય છે અને જે અલંકૃત, વિભૂષિત ન હોય તે દર્શનીય પ્રતીત થતા નથી. દેવ જ્યારે દેવ શય્યામાં ઉત્પન્ન થાય છે ત્યારે તેણે અલંકાર વગેરે ધારણ કર્યા હોતા નથી. ત્યાર પછી તે વિભૂષિત થાય છે ત્યારે તે સુંદર અને મનોહર લાગે છે.
★
સમાન સ્થાનમાં ઉત્પન્ન થયેલા બે જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ કે વેદના સમાન હોતા નથી. મિથ્યાદષ્ટિ જીવો મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદનાવાળા હોય છે અને સમ્યગ્દષ્ટ જીવો અપેક્ષાએ અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા હોય છે. પાંચ સ્થાવરના જીવો એકાંત મિથ્યાત્વી છે અને ત્રણ વિકલેન્દ્રિયોને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમક્તિ હોવા છતાં તે મિથ્યાત્વાભિમુખ જ છે. આ રીતે તે આઠ દંડકના સર્વ જીવો એક સમાન છે. તેથી તે જીવોમાં કર્મ, ક્રિયા આદિમાં વિશેષતા હોતી નથી. શેષ દંડકના જીવોમાં ઉપરોક્ત તરતમતા હોય છે.
★
જીવ આ ભવનું શરીર ન છોડે ત્યાં સુધી આ ભવનું જ આયુષ્ય વેઠે છે પરભવનું આયુષ્ય આ ભવમાં ભોગવાતું નથી.
★ દેવોને જન્મથી જ વૈક્રિયશરીર અને વૈક્રિયલબ્ધિ હોય છે. તે વિવિધરૂપો બનાવી શકે છે. તેમ છતાં તે દેવોનું વૈક્રિય સામર્થ્ય ભિન્ન ભિન્ન હોય છે. સમ્યગ્દષ્ટ દેવો પોતાની ઇચ્છાનુસાર રૂપો બનાવી શકે છે. પરંતુ મિથ્યાત્વી દેવો ઇચ્છાનુસાર રૂપ બનાવી શકતા નથી. તે સરળ-વિલક્ષણરૂપની વિકુર્વણા કરવા ઇચ્છે અને તે માટે પ્રયત્ન પણ કરે પરંતુ તેની ઇચ્છાથી વિપરીત રૂપની જ વિકુર્વણા થાય છે. તેમાં તેનું તીવ્ર અને મંદ રસ યુક્ત વૈક્રિયનામ કર્મ કારણ બને છે.
આ રીતે એક સ્થાનમાં ઉત્પન્ન થયેલા દેવોના વૈક્રિય સામર્થ્યમાં તરતમતા હોય છે.
܀܀܀܀܀