________________
શતક–૧૮ : ઉદ્દેશક-૧
શતક-૧૮ : ઉદ્દેશક-૧ સંક્ષિપ્ત સાર
૩૬૭
આ ઉદ્દેશકમાં ચૌદ દ્વારના માધ્યમથી જીવોમાં પ્રથમ-અપ્રથમ અને ચરમ-અચરમભાવની વિસ્તૃત પ્રરૂપણા છે.
★ જે ભાવ જે જીવને પ્રથમવાર પ્રાપ્ત થતો હોય તે વને તેની અપેક્ષાએ પ્રથમ કહે છે, જેમ કેસિદ્ધત્વ ભાવ.
જે ભાવ અનાદિકાલીન હોય તેને અપ્રથમ કહે છે. જેમ કે જીવનું જીવત્વ.
-
જે ભાવ કેટલાક જીવને પ્રથમવાર અને કેટલાક જીવને બીજી-ત્રીજીવાર પ્રાપ્ત થતો હોય તેને કદાચિત્ પ્રથમ કદાચિત્ અપ્રથમ કહે છે. જેમ કે- સિદ્ધના જીવને અનાહારક ભાવ પહેલીવાર પ્રાપ્ત થાય, તેની અપેક્ષાએ પ્રથમ અને સંસારી જીવોની વિગ્રહગતિમાં અનાહારકભાવ અનેક વાર પ્રાપ્ત થાય છે તેની અપેક્ષાએ અપ્રથમ છે. તેથી સમુચ્ચય જીવમાં અનાહારપણું કદાચિત પ્રથમ કદાચિત્ અપ્રથમ કહેવાય છે.
જે ભાવનો અંત થવાનો છે, જે ભાવ ફરી કયારે ય આવવાનો નથી તેને ચરમ કહે છે. જેમ કેતદ્ભવ મોક્ષગામી જીવો માટે અજ્ઞાનભાવ, કષાયભાવ, વેદભાવ વગેરે ચરમ છે.
★
જે ભાવનો અંત થવાનો ન હોય, નિરંતર રહેવાનો જ હોય કે ફરી આવવાનો હોય તેને અચરમ કહે છે. જેમ કે જીવનું જીવત્વ સિદ્ધનું જ્ઞાન વગેરે અચરમ છે.
જે ભાવ કેટલાક જીવોની અપેક્ષાએ ચરમ અને કેટલાક જીવોની અપેક્ષાએ અચરમ હોય તે કદાચિત્ ચરમ કદાચિત અચરમ છે. જેમ કે– નરકમાં રહેલા કોઈ જીવનો નરકભવ અંતિમ હોય તો તે ચરમ અને કોઈ જીવને હજી નરકના ભવ શેષ રહ્યા હોય તો તે અચરમ છે. આ રીતે ૨૪ દંડકના જીવો કદાચિત ચરમ, કદાચિત્ અચરમ હોય છે તેમજ આહારક, અનાહરકભાવ ૨૪ દંડકમાં અને ૬ લૈશ્યા ૨૪ દંડકમાં, વગેરે ભાવો કદાચિત્ ચરમ અને કદાચિત્ અચરમ હોય છે. આ ચરમ-અચરમ આદિ ભાવોનું સંકલન આગળ કોષ્ટકમાં કર્યું છે.