________________
શતક-૧૭: ઉદ્દેશક-૧
_
૩ર૭
| શતક-૧૦ : ઉદ્દેશક-૧ જે સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં કોણિક રાજાના બંને ગજરાજના પૂર્વ-પશ્વાદુ ભવ, તાલવૃક્ષાદિને હલાવવામાં, તેના ફળને પાડવામાં લાગતી ક્રિયા અને છ પ્રકારના ભાવનું અતિદેશાત્મક નિરૂપણ છે. * કોણિક રાજાના ઉદાયી અને ભૂતાનંદ નામના બે ઉત્તમ જાતિના હાથી હતા. તે બંને હાથી અસુરકુમારમાંથી આવીને ઉત્પન્ન થયા હતા, તે બંને મરીને પ્રથમ નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. ત્યાંનુ આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરીને તે બંને આત્માઓ મોક્ષગતિને પ્રાપ્ત કરશે. * તાલવક્ષને હલાવનાર કે તેના ફળને નીચે પાડનાર પુરુષને પાંચ ક્રિયા લાગે છે. કારણ કે પુરુષની તે પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે. જે વ્યક્તિ જીવહિંસામાં સાક્ષાત્ નિમિત બને તેને પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. વૃક્ષ અને ફળ હલવાથી જીવ હિંસા થાય તેનાથી વૃક્ષ અને ફળના જીવને પણ પાંચ ક્રિયા લાગે છે. * વૃક્ષને હલાવ્યા પછી તેનું ફળ જો પોતાની ગુરુતાથી જ નીચે પડે અને તેનાથી માર્ગમાં અને પૃથ્વીપર અન્ય જીવોનો ઘાત થાય, ત્યારે પુરુષને ચાર ક્રિયા લાગે છે. કારણ કે જીવહિંસામાં પુરુષ સાક્ષાત્ કારણ બન્યો નથી. ફળ પડવાના નિમિતથી જીવહિંસા થઈ હોવાથી ફળના જીવને પાંચ ક્રિયા લાગે છે. * ઔદારિક આદિ પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગની નિષ્પત્તિમાં કે તેનો પ્રયોગ કરવામાં જીવને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. કોઈ પણ છદ્મસ્થ જીવને પોતાની યોગજન્ય પ્રવૃત્તિથી ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. જો અન્યને પરિતાપ પહોંચે તો ચોથી ક્રિયા અને અન્ય જીવોની હિંસા થાય તો પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. * આત્માના પરિણામને ભાવ કહે છે. તેના છ ભેદ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સાત્રિપાતિક. તેનું વિસ્તૃત વિવેચન અનુયોગદ્વાર સૂત્રમાં છે.