________________
શતક-૧૪: ઉદ્દેશક-૨ _
| | ૧૨૩ ]
શતક-૧૪ઃ ઉદ્દેશક-ર જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં ઉન્માદનું સ્વરૂપ, દેવકૃત વૃષ્ટિ, દેવકૃત અંધકાર વગેરે વિષયોનું નિરૂપણ છે. ઉન્માદ - ચિત્તની વિક્ષિપ્તતા. નિમિત્તના ભેદથી તેના બે ભેદ છે– યક્ષાવેશ જન્ય અને મોહનીય કર્મોદય જન્ય. યક્ષાવેશ જન્ય ઉન્માદઃ- (૧) મનુષ્યના શરીરમાં યક્ષ પ્રવેશ કરે અને તે મનુષ્યનું ચિત્ત વિક્ષિપ્ત બની જાય; (૨) ભવનપતિ દેવો નારકોના શરીરમાં અશુભ પુદ્ગલનો પ્રક્ષેપ કરે, (૩) મહદ્ધિક દેવ, અલ્પદ્ધિક દેવના શરીરમાં અશુભ પુદ્ગલનો પ્રક્ષેપ કરે અને તે તે જીવોના ચિત્ત વિક્ષિપ્ત થાય તો તે યક્ષાવેશજન્ય ઉન્માદ કહેવાય છે. તે ઉત્કૃષ્ટ એક ભવ પર્યત જ રહે છે. તેથી તે ઉન્માદ અપેક્ષાએ સુખપૂર્વક ભોગવી શકાય અને તેનાથી સુખપૂર્વક છૂટી શકાય છે. મોહનીય કર્મોદયજન્ય – દર્શન મોહનીય કે ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી જીવ વિવેકદશા ભૂલી જાય છે. તેની શ્રદ્ધા ભ્રષ્ટ થાય, કે ચારિત્ર દૂષિત થાય તેવી પ્રવૃત્તિ કરે તો તેને મોહનીય કર્મોદયજન્ય ઉન્માદ કહે છે. તે ભવ-ભવાંતર સુધી જીવની સાથે જ રહે છે. અનંત સંસારનું કારણ બને છે, તેથી તે ઉન્માદ અપેક્ષાએ દુઃખપૂર્વક ભોગવી શકાય અને દુઃખપૂર્વક છૂટી શકાય છે. ૨૪ દંડકના જીવોને બંને પ્રકારના ઉન્માદ હોય
દેવવૃષ્ટિ :- જ્યારે કોઈ દેવને વરસાદ વરસાવવાની ઇચ્છા થાય ત્યારે તે આત્યંતર પરિષદના દેવને બોલાવે છે. તે દેવો મધ્યમ પરિષદના દેવોને, તે દેવો બાહ્ય પરિષદના દેવોને અને તે દેવો બાહ્ય-બાહ્ય પરિષદના દેવોને બોલાવે છે. તે દેવો અભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિક દેવો વર્ષા કરનારા દેવોને બોલાવે છે અને તે દેવો તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણક સમયે વૃષ્ટિ કરે છે. દેવ તમસ્કાય – દેવો પોતાની ઇચ્છાનુસાર ચાર કારણે અંધકાર કરે છે. રતિક્રીડા માટે, પોતાના સંરક્ષણ માટે, છુપાઈ જવા માટે અથવા વસ્તુ છુપાવવા માટે, વિરોધી દેવો આદિને ભ્રમિત કે વિસ્મિત કરવા માટે તમસ્કાય-અંધકાર ઉત્પન્ન કરે છે.
તે દેવો પણ દેવવૃષ્ટિની જેમ ક્રમશઃ આત્યંતર, મધ્યમ, બાહ્ય, બાહ્ય-બાહ્ય પરિષદના દેવોને, આભિયોગિક દેવોને અને તમસ્કાય કરનાર દેવોને બોલાવીને અંધકાર કરાવે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં દેવ-શક્તિનું નિદર્શન છે.