________________
૯૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
તેમાંથી જીવ ચાલ્યો જાય, તે મત કલેવરને પણ કાયા કહેવાય છે. આ રીતે કાયા ત્રણે કાલમાં હોય છે. તેથી તેના પુદગલોનું ભેદન પણ ત્રણે કાલમાં થાય છે. કાયાના સાત પ્રકાર છે, ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્મણકાય. મરણ - આયુષ્ય પૂર્ણ થાય ત્યારે આત્મા અને શરીરનું જુદા થવું, શરીરમાંથી પ્રાણ નીકળવા, બાંધેલા આયુષ્ય દલિકોનો ક્ષય થવો, તેને મરણ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) આવી ચિમરણ - ક્ષણે-ક્ષણે થતા આયુષ્યકર્મના ક્ષયને આવીચિમરણ કહે છે. (૨) અવધિમરણ :- જીવ જે આયુષ્યકર્મના દલિકો ગ્રહણ કરી, તેને ભોગવીને છોડી દે છે. ત્યાર પછી મર્યાદિત સમય સુધી તે છોડેલા દલિકોને ગ્રહણ ન કરે. આ રીતે જેટલી કાલ મર્યાદા સુધી તે દલિકો પુનઃ ગ્રહણ ન થાય તે કાલમર્યાદાને તે પુગલોની અપેક્ષાએ અવધિમરણ કહે છે. (૩) આત્યંતિક મરણ:- એક વાર બાંધીને છોડેલા જે આયુષ્યના દલિકો પુનઃ કદાપિ જીવ દ્વારા ગ્રહણ ન થાય અને તે જીવ મોક્ષગતિમાં ચાલ્યો જાય તે આયુષ્ય દલિકોની અપેક્ષાએ જીવનું આત્યંતિક મરણ કહેવાય છે.
ઉપરોકત ત્રણે મરણના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવની અપેક્ષાએ પાંચ-પાંચ ભેદ અને તે પ્રત્યેકના ચાર ગતિની અપેક્ષાએ ચાર ભેદ થાય છે. આ રીતે ત્રણેય મરણના ૨૦-૨૦ ભેદ થાય છે. (૪) બાલમરણ :- જે મરણ કષાયવશ કે અજ્ઞાનવશ થઈ સ્વેચ્છાથી સ્વીકારવામાં આવે, તે મરણને બાલમરણ કહે છે. તેના બાર પ્રકાર છે. અજ્ઞાન દશામાં પરવશપણે સ્વતઃ મરણ થાય તે પણ અજ્ઞાન મરણ કહેવાય છે. (૫) પડિતમરણ :- જ્ઞાની જીવો નિર્જરાર્થે તપ સાથે સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરે, સંલેખના-સંથારો ગ્રહણ કરે અને મરણ પામે તે મરણને પંડિત મરણ કહે છે. તેના બે ભેદ છે– ભક્તપરિજ્ઞા અને પાદપોપગમન. ભક્તપરિજ્ઞા :- ત્રણ કે ચાર પ્રકારના આહારનો જીવન પર્યત ત્યાગ કરવો અને આત્મભાવોમાં સ્થિત થવું તે ભક્ત પ્રત્યાખ્યાન (પંડિત મરણ) કહેવાય છે. વળી તેમાં અંગોપાંગના હલનચલન, શરીર શુશ્રુષા આદિનો આગાર હોય છે. પાદપોપગમન :- ચાર પ્રકારના આહારનો જીવનપર્યત ત્યાગ કરીને, કપાયેલી વૃક્ષની ડાળીની જેમ સંપૂર્ણ રીતે નિશ્વેષ્ટ રહેવું. તેમાં શરીરના કોઈ પણ પ્રકારના હલનચલન કે સેવા-સુશ્રુષાનો આગાર નથી. માત્ર શરીરની સ્વાભાવિક શ્વાસોશ્વાસ આદિ પ્રક્રિયા અથવા મલોત્સર્ગ આદિ પ્રવૃત્તિનો આગાર હોય છે.
બંને પ્રકારના પંડિત મરણના નીહારિમ અને અનીહારિમ, આ બે ભેદ હોય છે. નીહારિમમાં મૃતદેહની ઉત્તરક્રિયા દાહસંસ્કાર વગેરે થાય છે અને અનીહારિમમાં મૃતદેહની કોઈપણ ક્રિયા કરવામાં આવતી નથી. માટે અનીહારિમ પંડિતમરણ પર્વત, વન આદિ પ્રદેશમાં અંગીકાર કરવામાં આવે છે.
આ રીતે આ ઉદ્દેશકમાં જીવોના મન, વાણી, કાયાનું અને તે ત્રણથી રહિત થવાની અવસ્થારૂપ મરણનું સાપેક્ષ વર્ણન છે.