________________
| ૭૬૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ત્રિકાલસ્થાયી છે. જ્યારે કષાયાત્મા તે જીવની એક વૈભાવિક અવસ્થા છે તેથી તે ભાવ અનિત્ય છે. ઉપશાંત-વીતરાગી કે ક્ષીણ વીતરાગીને છોડીને શેષ સંસારી જીવોમાં કષાયાત્મા હોય છે વીતરાગીને કષાયાત્મા નથી, કષાયાત્માને દ્રવ્યાત્મા સાથે નિયત સંબંધ છે, કારણ કે દ્રવ્યત્વ અર્થાત્ જીવત્વ વિના કષાયનો સંબંધ નથી.
દ્રવ્યાત્માનો યોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે યોગ પણ જીવની કર્મજન્ય અવસ્થા છે. અયોગી અવસ્થામાં દ્રવ્યાત્મા હોવા છતાં યોગાત્મા નથી. પરંતુ યોગાત્માનો દ્રવ્યાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે જીવ દ્રવ્યત્વ વિના યોગનો સંબંધ નથી.
દ્રવ્યાત્મા અને ઉપયોગાત્મા તે બંનેનો પારસ્પરિક અવિનાભાવી સંબંધ છે, કારણ કે દ્રવ્યાત્મા જીવ સ્વરૂપ છે અને ઉપયોગ તેનું લક્ષણ છે તેથી બંને આત્માનો પરસ્પર નિયત સંબંધ હોય છે.
દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સમ્યગુદષ્ટિ દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા અવશ્ય હોય છે જ્યારે મિથ્યાદષ્ટિ દ્રવ્યાત્માને જ્ઞાનાત્મા નથી. જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે કારણ કે દ્રવ્યાત્મા વિના જ્ઞાનાત્માનો સંભવ નથી.
દ્રવ્યાત્મા અને દર્શનાત્માનો ઉપયોગાત્માની સમાન પારસ્પરિક નિયત સંબંધ છે. કારણ કે દર્શન આત્માનો ગુણ છે તેથી તે હંમેશાં આત્મ દ્રવ્યની સાથે હોય છે. દ્રવ્યાત્માને ચારિત્રાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે સર્વવિરતિ દ્રવ્યાત્મામાં જ ચારિત્રાત્મા હોય છે; અવિરતિ, સંસારી જીવ અને સિદ્ધ જીવોમાં દ્રવ્યાત્મા હોવા છતાં પણ ચારિત્રાત્મા નથી. ચારિત્રાત્મા હોય ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે કારણ કે દ્રવ્યાત્મા વિના ચારિત્રનો સંભવ નથી.
દ્રવ્યાત્માને વીર્યાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે સિદ્ધાત્માને દ્રવ્યાત્મા છે પરંતુ વીર્યાત્મા નથી અને સંસારી જીવોને દ્રવ્યાત્મા અને વીર્યાત્મા બંને હોય છે. વીર્યાત્મા હોય ત્યાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે.
સારાંશ એ છે કે દ્રવ્યાત્મામાં કષાયાત્મા, યોગાત્મા, જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્માની ભજના છે. પરંતુ ઉક્ત આત્માઓમાં દ્રવ્યાત્મા અવશ્ય હોય છે. દ્રવ્યાત્મા, ઉપયોગાત્મા અને દર્શનાત્માનો પરસ્પર સંબંધ નિયમ છે. કષાયાત્મા :- જે જીવને કષાયાત્મા હોય છે, તેને યોગાત્મા અવશ્ય હોય છે, કારણ કે સકષાયી જીવો અયોગી હોતા નથી. યોગાત્માનો કષાયાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે કારણ કે સયોગી આત્મા સકષાયી અને અકષાયથી બંને પ્રકારના હોય છે.
કષાયાત્માને ઉપયોગાત્મા સાથે નિયત સંબંધ છે. કારણ કે ઉપયોગ સહિત ચૈતન્ય સ્વરૂપ હોય તેને જ કષાયનો સદ્ભાવ હોય, જડ પદાર્થમાં કષાયનો સદ્ભાવ સંભવિત નથી, કષાયાત્માને ઉપયોગાત્મા સાથે વૈકલ્પિક સંબંધ છે. કારણ કે અકષાયી જીવોમાં પણ ઉપયોગાત્મા હોય જ છે.
કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર વૈકલ્પિક સંબંધ છે. કારણ કે મિથ્યાદષ્ટિ જીવોને કષાયાત્મા હોવા છતાં જ્ઞાનાત્મા નથી. સમ્યગુદષ્ટિ કષાયાત્માને જ જ્ઞાનાત્મા હોય છે. જ્ઞાનાત્મા હોય તેને કષાયાત્મા પણ વિકલ્પ હોય છે, કારણ કે જ્ઞાની કષાય સહિત અને કષાય રહિત બંને પ્રકારના હોય છે.