________________
શતક—૧૨ : ઉદ્દેશક-૬
૭૧૯
શતક-૧ર : ઉદ્દેશક-૬
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં રાહુના બે પ્રકાર, તેનું કાર્ય તેમ જ ચંદ્ર અને સૂર્યના ભોગ સુખનું પ્રતિપાદન છે. રાહુ :– રાહુ જ્યોતિષી દેવોમાં ગ્રહ જાતિના દેવ છે. તેના વિમાન પાંચ વર્ણના હોય છે, કાળો-કાજલ સમાન, નીલો-કાચા તુંબડા સમાન, લાલ-મજીઠ સમાન, પીળો-હળદર સમાન અને સફેદ-રાખની રાશિ સમાન છે. તેના પર્યાયવાચી નવ નામ છે– (૧) શ્રૃંગાટક, (૨) જટિલક, (૩) ક્ષત્રક (૪) ખર, (૫) દર, (૬) મકર, (૭) મત્સ્ય, (૮) કચ્છપ, (૯) કૃષ્ણસર્પ.
રાહુની ગતિ :– ચંદ્રના વિમાનની નીચે જ નિત્ય રાહુનું વિમાન છે. તેની તથા પ્રકારની ગતિના કારણે પ્રતિદિન ચંદ્રની એક એક કળા આરિત થાય છે અને તેનાથી જ પ્રતિપદા, બીજ, ત્રીજ આદિ તિથિ થાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્રની સંપૂર્ણ કળા નિત્ય રાહુ દ્વારા આવરિત થઈ જાય છે. ત્યારપછી ક્રમશઃ પ્રતિદિન એક એક કળા ખુલતા પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે,
પર્વ રાહુના વિમાનના ગમનાગમનથી ચંદ્ર આરિત થાય છે તેને જ લોકમાં ચંદ્ર ગ્રહણ કહે છે. જ્યારે રાહુનું વિમાન જતા ચંદ્રને એક કિનારેથી આવૃત્ત કરીને, પાછા ફરતાં, તેને અનાવૃત્ત કરે છે; તેને લોકમાં ચંદ્રનું વમન કહે છે અને ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરે તેને લોકમાં ચંદ્રનો કુક્ષિભેદ કહે છે. આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે પૂર્વોક્ત સર્વ ક્રિયાઓ આચ્છાદાન માત્ર છે, ચંદ્રનું ગ્રસન થતું નથી.
રાહુના પ્રકાર :– તેના બે પ્રકાર છે, નિત્ય રાહુ અને પર્વ રાહુ. નિત્ય રાહુ પ્રતિદિન ચંદ્રની કળાને આવરિત કરે છે અને પર્વરાહુ જઘન્ય છ મહિને ચંદ્ર, સૂર્યને ઢાંકે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિને ચંદ્રને તેમજ ૪૮ વર્ષે સૂર્યને આવૃત્ત કરે છે. તેને જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહે છે.
નિત્ય રાહુ પ્રતિપદા, બીજ, ત્રીજ, આદિ તિથિઓનું અને પર્વ રાહુ ચંદ્ર-સૂર્ય ગ્રહણનું નિમિત્ત બને છે. સૂર્ય-ચંદ્ર :– સૌમ્ય, કાંત અને પ્રિયદર્શનીય હોવાથી ચંદ્રનું શશી એ ગુણ સંપન્ન નામ છે અને સમય, આવલિકા આદિ કાલ વ્યવહારનો આદિ પ્રવર્તક સૂર્ય હોવાથી તેનું આદિત્ય એવું ગુણ નિષ્પન્ન નામ છે. ચંદ્ર સૂર્યના ભોગ :– મનુષ્યના સર્વ શ્રેષ્ઠ કામભોગથી વ્યંતરોના કામભોગ અનંત ગુણ વિશિષ્ટ છે. તેનાથી નવનિકાયના દેવોના, તેનાથી ભવનપતિના દેવોના અને તેનાથી ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવોના કામભોગ ક્રમશઃ અનંતગુણા વિશિષ્ટ છે અને તેનાથી જ્યોતિષેન્દ્ર ચન્દ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણા વિશિષ્ટ છે.
આ રીતે ચંદ્રગ્રહણના વાસ્તવિક સ્વરૂપને સ્પષ્ટ કરીને જ્યોતિષી દેવોની ગતિ, તેના આધારે મધ્યલોકમાં થતા વ્યવહારો વગેરે વિષયોનું પ્રતિપાદન, આ ઉદ્દેશકની વિશેષતા છે.
܀܀܀܀܀