________________
955
શ્રી ભગવતી સૂત્ર–૩
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જયંતી શ્રાવિકાનો ઉત્કૃષ્ટ સંવેગ ભાવ અને તેના ફલ સ્વરૂપ તિમ આરાધના અને અંતિમ લક્ષ્યની સિદ્ધિ પર્યંતનું વર્ણન છે.
જયંતી શ્રાવિકા પ્રભુના સાનિધ્યમાં શંકાનું સમાધાન કરી સંતુષ્ટ થઈ. એટલું જ નહીં પણ પ્રશ્નના ઉત્તરમાં જે શ્રવણ કરીને ધારણ કર્યું હતું તે આચરણ કરવા માટે કટિબદ્ધ બની, સર્વ પ્રકારના પાપથી વિરામ પામી. તેણે હળવા બનવા, સદાય જાગૃત, સબળ અને દક્ષ(ઉધમવંત) રહેવા પ્રભુના સમવસરણમાં
જ સંયમ સ્વીકાર કર્યો.
શાસ્ત્રમાં જયંતી શ્રાવિકાના પતિ, પુત્ર વગેરે હતા કે નહીં ઇત્યાદિ ઉલ્લેખ પ્રાપ્ત થતા નથી. તેણે સમવસરણમાં જ સંયમ સ્વીકાર કર્યો તેનાથી પ્રતીત થાય છે કે તે સ્વતંત્ર જીવન જીવનારી હશે. આગમમાં તે શય્યાતરી તરીકે જ પ્રસિદ્ધ છે.
જયંતી સાધ્વીએ આર્યા ચંદનાના સાનિધ્યમાં ઉત્કૃષ્ટ ભાવે તપ-સંયમની આરાધના કરી અને તે જ ભવે સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તદશાને પ્રાપ્ત કરી.
|| શતક-૧ર/ર સંપૂર્ણ ॥