________________
૫૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૩
સુદર્શન શ્રેષ્ઠીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે શું પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે? ભગવાને તેના પ્રત્યુત્તર રૂપે તેના જ પૂર્વભવનું વૃત્તાંત કહ્યું છે. મહાબલ રાજકુમાર :- હસ્તિનાપુર નામનું નગર હતું. ત્યાં બલરાજા અને પ્રભાવતી રાણી હતા. એકદા રાણીએ સિંહનું સ્વપ્ન જોયું, તેના ફળ સ્વરૂપે તેણે એક પુણ્યવાન બાળકને જન્મ આપ્યો. રાજાએ તેનો જન્મોત્સવ ઉજવ્યો અને ગુણનિષ્પન્ન “મહાબલકુમાર’ નામ રાખ્યું.
સર્વ પ્રકારની અનુકૂળતા વચ્ચે બાળકનો બાલ્યકાળ વ્યતીત થયો. યુવાવસ્થામાં ઉત્તમ કુળની આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. બલરાજાએ પુત્રવધૂઓને અઢળક પ્રીતિદાન આપ્યું. મહાબલકુમાર સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા.
એકદા પ્રભ વિમલનાથના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર ત્યાં પધાર્યા. મહાબલકુમાર દર્શનાર્થે ગયા, ધર્મોપદેશ સાંભળ્યો, વૈરાગ્યભાવ જાગૃત થયો; માતા-પિતાની આજ્ઞા મેળવી સંયમ અંગીકાર કર્યો. ૧૪ પૂર્વોનું અધ્યયન, વિવિધ પ્રકારની તપારાધનાપૂર્વક બાર વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કરી, અંતે એક માસનો સંથારો કરીને, સમાધિપૂર્વક કાલધર્મ પામી, પાંચમા બ્રહ્મલોકદેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા; ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તમે સુદર્શન શ્રેષ્ઠી તરીકે જન્મ ધારણ કર્યો અને યોગ્ય સમયે સ્થવિર ભગવંતોનો ઉપદેશ સાંભળીને, શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો.
હે સુદર્શન ! જે રીતે મહાબલ રાજકુમારની દશ સાગરોપમની સ્થિતિ પૂર્ણ થઈ, તે રીતે અન્ય જીવોની સ્થિતિ પણ પૂર્ણ થાય છે.
ભગવાન પાસેથી સમાધાન સ્વરૂપે પોતાના જ પૂર્વભવનો વૃત્તાન્ત સાંભળીને, ચિંતન મનન કરતા સુદર્શન શ્રેષ્ઠીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમાં પ્રભુના કથનાનુસાર પોતાનો પૂર્વભવ જોઈને, તેની શ્રદ્ધા દઢતમ બની અને સંવેગ ભાવ વૃદ્ધિ પામ્યો, તે જ સંવેગ ભાવમાં સંયમનો સ્વીકાર કર્યો. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું, સંયમ-તપની આરાધનાપૂર્વક બાર વર્ષની સંયમ પર્યાયમાં સર્વ કર્મનો ક્ષય કરી, સિદ્ધ ગતિને પામી ગયા.