________________
શતક-૧૧
⭑
★
⭑
⭑
⭑
૫૨૯
શતક-૧૧
પરિચય
આ શતકમાં બાર ઉદ્દેશક છે. તેમાં વિષયોનું સંકલન આ પ્રમાણે છે–
એકથી આઠ ઉદ્દેશકમાં અલ્પવિકસિત ચેતનાવાળા એકેન્દ્રિય ઉત્પલ આદિ અનેક પ્રકારના વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિ, સ્થિતિ, બંધ, યોગ, ઉપયોગ, લેશ્યા, આહાર આદિ ૩ર દ્વારોના માધ્યમથી પ્રશ્નોત્તર છે.
નવમા ઉદ્દેશકમાં દિશાપ્રોક્ષક શિવરાજર્ષિના તાપસ જીવનનું વિસ્તૃત વર્ણન છે. બાલતપ સાધનાથી શિવરાજર્ષિને વિભંગજ્ઞાનની પ્રાપ્તિ, ભ્રાન્તિવશ આત્મશ્લાઘા અને પ્રભુ મહાવીરના સાંનિધ્યથી ભ્રાન્તિનો ભંગ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ, પ્રભુ સમીપે સંયમ સ્વીકાર, સંયમ અને તપનું આરાધન અને અંતે તેની મુક્તિ વગેરે પ્રસંગો ક્રમશઃ આલેખિત છે.
દશમા ઉદ્દેશકમાં લોકનું સ્વરૂપ, તેના ચાર પ્રકાર, ક્ષેત્રલોકના ભેદ-પ્રભેદ, ત્રણે લોકનું સંસ્થાન, તેમાં જીવ, જીવપ્રદેશ, અજીવ, અજીવપ્રદેશ છે, ઇત્યાદિ વિષયોનું નિરૂપણ છે. અંતે લોક અને અલોકની વિશાળતા રૂપક દ્વારા સમજાવી છે. આ રીતે લોક સંબંધી સર્વ પ્રરૂપણા છે.
અગિયારમા ઉદ્દેશકમાં કાલ અને તેના મુખ્ય ચાર પ્રકારનું વર્ણન છે. ત્યાર પછી પલ્યોપમ અને સાગરોપમના ક્ષય અને ઉપચયને સમજાવવા માટે સુદર્શન શ્રેષ્ઠીના પૂર્વભવનું અર્થાત્ મહાબલ ચરિત્રનું વિસ્તૃત વર્ણન છે.
બારમા ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્ર નામના શ્રમણોપાસકની તત્ત્વ સંબંધી યથાર્થ જાણકારી અને પુદ્ગલ પરિવ્રાજકનું જીવન વૃતાંત છે.
܀܀܀܀܀