________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
દ્વાદશાંગીમાં મૂર્ધન્યસ્થાને બિરાજિત, ૩૬,૦૦૦ અદ્ભુત પ્રશ્નોત્તરથી સંપન્ન, શ્રી ભગવતીસૂત્ર, ગૌતમસ્વામી જેવા અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસાનું સમાધાન કરે છે. તેના એક-એક પ્રશ્નમાં અપૂર્વ ભાવો ભર્યા છે.
ક્યાંક ચાર ગતિરૂપ સંસારની અનંતતાનું સ્વરૂપ દર્શન છે, તો કયાંક વૈરાગ્ય પોષક રસવંતા ચરિત્રો છે, તો ક્યાંક આચાર શુદ્ધિની વાતો છે, તો ક્યાંક આત્માના અનંત સામર્થ્યનું દર્શન છે. આ રીતે વિષયોની વિવિધતા સાથે વિશાળતા તે જ શ્રી ભગવતી સૂત્રની વિશેષતા છે. ગ્રંથની વિશાળતાને લક્ષમાં રાખીને તેને પાંચ ભાગમાં વિભાજિત કર્યો છે.
આજે શ્રી ભગવતીસૂત્ર ભાગ–૩(શતક ૮ થી ૧૨)નું કાર્ય પૂર્ણ થતાં અમો આનંદ અનુભવીએ છીએ. અમારા પરમ સદ્ભાગ્યે પરમ શ્રદ્ધેય, તપોપૂત પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના પાવન સાનિધ્યે અમે આ આગમનું વાંચન કર્યું અને આજે તેના સંપાદનનો પણ સુયોગ સાંપડ્યો.
આગમોનું પ્રકાશન સરળ છે પરંતુ સંપાદન કાર્ય કઠિનતમ છે. હજારો વર્ષો પૂર્વે આગમો લિપિબદ્ધ થયા. ત્યાર પછી મુદ્રણયુગમાં યુગે યુગે આગમોનું પ્રકાશન થયું. તીર્થંકરોની સાધનાના સારભૂત આગમો આજે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં ક્યાંક લિપિદોષ, ક્યાંક મુદ્રણદોષ વગેરેના કારણે સૂત્ર અને તેના અર્થનો સંબંધ ગહન ચિંતનનો વિષય બની જાય છે. આવા પ્રસંગે સંપાદકોએ આગમની મહત્તાને અંતરમાં અવધારીને તે વિષયોનો પૂર્વાપરના સંબંધપૂર્વક, વિશાળતાપૂર્વક વિચાર કરીને યોગ્ય નિર્ણય લેવો પડે છે.
યથા– શતક–૧૨/૪ મા પુદ્ગલ, સ્કંધના વિભાગોનું કથન સૂત્રકારે અનેક વિકલ્પોથી કર્યું છે. ગાંગેય અણગારના ભંગની જેમ જ અહીં પણ પદ્ઘતિપૂર્વક ક્રમશઃ ભંગ થયા છે પરંતુ તેમાં નવ પ્રદેશી સ્કંધમાં ર+ર+પ અને દશ પ્રદેશી કંધમાં ર+ર+ તથા ૧+ર+ર+પ આ રીતે કુલ ત્રણ ભંગનો પાઠ ઉપલબ્ધ થતો નથી. તેથી આ ભંગોને શૂન્ય મનાય છે. ટીકામાં આ ભંગ ન થવાનું કોઈ જ કારણ જણાવ્યું નથી.
51