________________
આ બધા પ્રકાર દેવના છે. તે કેવી રીતે દેવની પદવી પામે છે? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? તેનું વર્ણન તમારે એકાગ્ર ચિત્તે વાંચી લેવું. પ્રયોગઃ ૧૦:- [કુમારો] મૈયા ! આવો મહામૂલો મનુષ્યભવ પામીને આત્માને ઉજ્જવળ કરવા માટે શું કરવું જોઈએ તે અમને સમજાવો.
[મૈયા] કુમારો ! અનાદિકાળથી આત્માકષાય-વિષયથી કલુષિત થયો છે. તે કષાય-વિષયની ડિગ્રીની ઝાંય પડે ત્યારે મૂળ દ્રવ્ય આત્માના આઠ પ્રકાર થઈ જાય છે. દ્રવ્ય આત્મા મુખ્ય છે. તે જાણવાનું કામ કરે ત્યારે તે જ્ઞાનાત્મા કહેવાય. તે જોવામાં અને શ્રદ્ધામાં દર્શન ઉપયોગ જોડે ત્યારે દર્શનાત્મા કહેવાય. ચારિત્રપાળવા, જયણામાં લીન હોય ત્યારે ચારિત્રાત્મા તેમજ સ્વાધ્યાય ધ્યાનમાં પુરુષાર્થ ફોરવે, ત્યારે વીર્યાત્મા, જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં ઝૂલતો હોય ત્યારે ઉપયોગાત્મા કહેવાય છે. તે સંસારવર્ધક ક્રિયાની ગડમથલમાં પડ્યો હોય ત્યારે કષાયાત્મા અને યોગમાં આંદોલિત થતો હોય ત્યારે યોગાત્મા કહેવાય છે. આ આઠ આત્મા ક્યાં લાભે, કેવી રીતે લાભે, તેનું વર્ણન આ ઉદેશકથી જાણી લેજો. આ રીતે આત્માના અનેક વિષય-કષાય જનક તબક્કાઓ સર્જાય છે, તેથી તેને સૃષ્ટિ કહેવાય છે.
કુમારો! આપણે બાર શતક ખંડના કોર્ષનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આઠમા શતકનો પ્રારંભ પુદ્ગલથી કર્યો છે. જાણે કે આઠ કર્મ ક્ષય કરવા ખેલાડી કેમ નીકળી પડ્યો હોય તેવું લાગે છે અને બારમા શતકનો એન્ડ આત્માથી પૂર્ણ થયો. ખેલાડી જેમ ખેલ દેખાડે તેમ કુમારો! તમે કર્મરાજ ખેલાડીના બધા ખેલો જોયા. નિર્ણય કરી લેજો કે ફક્ત આત્મા એક જ ઉપાદેય છે, બાકી સઘળું હેય છે. તે માટે પેલું જ્ઞાન વિસરાય ન જાય. વેકેશનમાં રોજ અભ્યાસ અધ્યયન કરી સ્વરૂપાનુસંધાન કરતા રહેશો. તમે યુવાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છો, તમારી બળ શક્તિ ઘણા પ્રમાણમાં પાંગરી ગઈ છે. હવે પુરુષાર્થ ઉપાડો તો જય તમારો થશે. બંને કુમારો માતાની શીખામણને સ્વીકારી ભગવતી મૈયાના ઉપકારના આભારના ભારથી લચી પડ્યા અને વિદાય થયા. ઘરે સાંતતા દેવી પાસે આવ્યા ચરણમાં મસ્તક મૂકી રડી પડ્યાં. ભગવતી મૈયાના ઋણમાંથી મુક્ત થવા શું કરવું; તેમ પૂછીને ઊઠ્યા, માતાએ આશ્વાસન આપ્યું. હળવા એવા અણુવ્રતો ધારણ કરો, તેમ કર્યું. અપ્રત્યાખ્યાન કષાયનો ત્યાગ કરી સાચા શ્રમણોપાસક બની ગયા. તે બંને કુમારો અગિયાર પડિમાઓનું વહન કરવા લાગ્યા. ત્રણ મનોરથ ચિંતવીને જીવન વ્યતીત કરવા લાગ્યા.
48.