________________
૪૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
હે જમાલી ! સત્યને સમજ. આ લોક અને જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશાશ્વત છે.
જમાલીને તીવ્ર મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે પ્રભુના કથન પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ થઈ નહીં. તે ત્યાંથી ચાલ્યો ગયો. આ રીતે તે પોતાના કદાગ્રહથી સ્વ-પર અને ઉભયને બ્રાંત કરતો, મિથ્યા માર્ગે પ્રેરિત કરતો અનેક વર્ષોની શ્રમણ પર્યાયનું પાલન કરીને, અંતે ૧૫ દિવસનો સંથારો કરીને, મિથ્યા પ્રરૂપણારૂપ પાપસ્થાનની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયો.
જમાલીની ગતિ- આચાર્ય, ઉપાધ્યાય આદિની આશાતના કરનાર, અવર્ણવાદ બોલનાર, પ્રત્યેનીક થનાર, અંત સમયે તેનું પ્રાયશ્ચિત્ત આદિ ન કરનાર જીવ કાલધર્મ પામીને કિષિી દેવોમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે જમાલી પણ પ્રભુ મહાવીરની આશાતના અને અવહેલના કરીને તપ સંયમના પ્રભાવે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વીષી દેવોમાં દેવ તરીકે ઉત્પન્ન થયો.
કિલ્વીષી દેવનું વર્ણન- તેના ત્રણ પ્રકાર છે– (૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા- તે પહેલા-બીજા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. (૨) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા- તે ત્રીજા-ચોથા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા- તે છઠ્ઠા દેવલોકના નીચેના પ્રતરમાં રહે છે. કિલ્વીષી દેવ ન્યૂનતમ (ઓછામાં ઓછા) ચાર પાંચ ભવ નરકાદિ ચારે ગતિમાં કરે છે અને ઉત્કૃષ્ટ અનંત સંસાર પરિભ્રમણ કરે છે.
જમાલીનું સંસારભ્રમણ- દેવલોકનો ભવ પૂર્ણ કરીને જમાલીનો આત્મા મિથ્યાત્વી છતાં તપના પ્રભાવે કિલ્વીષીપણાના ન્યુનતમ ભવભ્રમણને પ્રાપ્ત કરશે અને સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે.
આ રીતે જમાલીના વિસ્તૃત વૃત્તાંતના કથન સાથે આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.