________________
શતક-૯: ઉદ્દેશક-૩૩ .
| ૪૦૭ |
આકર્ષણોથી લલચાવવાના પ્રયત્નો કર્યા; તેમજ સંયમ જીવનની અનેક પ્રકારની કઠિનાઈઓ પ્રગટ કરી. પરંતુ જમાલીનો વૈરાગ્યભાવ દઢ હોવાથી તેને અનુકૂળતાના આકર્ષણો કે પ્રતિકૂળતાના ભયો ચલિત કરી શક્યા નહીં. અંતે માતા-પિતાએ તેને સંયમની આજ્ઞા આપી. સંયમ સ્વીકાર– અત્યંત ધામધૂમથી જમાલીકુમારનો દીક્ષા મહોત્સવ થયો. ૫૦૦ પુરુષો સાથે જમાલીકુમાર પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થયા. સૂત્રમાં જમાલીના દીક્ષા મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે.
સંયમી જીવનના સ્વીકાર પછી જમાલી અણગારે પ્રભુના સાંનિધ્યમાં સ્વાધ્યાય અને ધ્યાનથી પોતાના આત્માને ભાવિત કર્યો, ૧૧ અંગશાસ્ત્રોનું અધ્યયન કર્યું. સ્વતંત્ર વિચરણ– કોઈ એક સમયે જમાલી અણગારને પોતાના ૫૦૦ શિષ્યના પરિવાર સાથે સ્વતંત્ર વિચરણ કરવાની ભાવના જાગૃત થઈ. તેણે પ્રભુ પાસે આજ્ઞા માંગી. ભાવિના અનિષ્ટ ભાવોને જાણીને પ્રભુએ આજ્ઞા આપી નહીં, મૌન રહ્યા. પ્રભુના મૌનને સંમતિ સમજીને, જમાલીએ પોતાની ઇચ્છાનુસાર ૫૦૦ સાધુઓ સાથે અન્યત્ર વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એકદા તેઓ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. સંયમી જીવનની કઠિનાઈથી તેમજ અરસાહાર, વિરસાહાર, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત આહાર આદિ આહાર-પાણીની અનિયમિતતાથી જમાલી અણગારના શરીરમાં અસહ્ય રોગ-દાહજ્વર ઉત્પન્ન થયો. તેની પ્રગાઢ વેદનાથી તે પીડિત હતા. મિથ્યાત્વ ઉદય – બિમારીના સમયે એકદા તેણે પોતાના શિષ્યોને પથારી પાથરવાનો આદેશ આપ્યો. શિષ્યો આજ્ઞાનુસાર કાર્ય કરી રહ્યા હતા. જમાલી અણગારને વેદનાના કારણે સૂવાની આતુરતા હતી. તેણે પૂછ્યું- હે દેવાનુપ્રિયો ! સંથારો પથરાઈ ગયો? શિષ્યોએ કહ્યું– સંથારો પથરાઈ રહ્યો છે. તે સમયે જમાલી અણગારે જોયું તો સંથારો પથરાઈ રહ્યો હતો, તેને મિથ્યાત્વનો ઉદય થયો. વિચારધારા વિપરીત થઈ. પ્રભુનો સિદ્ધાંત “ચાલતું ચાલ્યું, કરાતું કર્યું છે. આ સિદ્ધાંત પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પથરાઈ રહેલી પથારી પથરાયેલી દેખાતી નથી. તેથી પ્રભુના વચન અસત્ય છે. તેણે પોતાના શિષ્યોને બોલાવીને પોતાના વિચારો કહ્યા. કેટલાક શ્રમણોને જમાલી અણગારનું કથન સત્ય પ્રતીત થયું. તેઓ જમાલીની સાથે રહ્યા અને કેટલાક શ્રમણોને જમાલી અણગારનું કથન સત્ય પ્રતીત ન થયું. તેઓ જમાલીને છોડીને પ્રભુ સમીપે ગયા.
પ્રભુનો અવિનય સમય વ્યતીત થતાં જમાલી અણગાર સ્વસ્થ થયા. વિહાર કરતાં ચંપાનગરીમાં પ્રભુ મહાવીરની સમીપે ગયા અને ત્યાં જઈને પ્રલાપ કરવા લાગ્યા– "હે પ્રભુ! આપના કેટલાક શિષ્યો છદ્મસ્થપણે વિચરણ કરતાં આપની સમીપે આવે છે, જ્યારે હું કેવળી બનીને, કેવળીપણે વિચરણ કરતાં અહીં આવ્યો છું."
તે સમયે ગૌતમ સ્વામીએ તેના જ્ઞાનના પરીક્ષણ માટે બે પ્રશ્નો પૂછ્યા. લોક અને જીવ શાશ્વત છે કે અશાશ્વત? મિથ્યાત્વગ્રસ્ત જમાલી નિરુત્તર બની ગયા. પ્રભુએ તેને સત્ય સમજાવતાં કહ્યું – આ પ્રશ્નના ઉત્તર તો મારા છદ્મસ્થ શિષ્યો પણ આપી શકે છે પરંતુ તે પોતાને કેવળી તરીકે ઓળખાવતા નથી.