________________
શતક-૮: ઉદ્દેશક-૯
૨૦૫
આહારક શરીર પ્રયોગબધઃ- આહારક શરીરના વ્યાપારથી થતા બંધને આહારક શરીર પ્રયોગબંધ કહે છે. તે ઋદ્ધિ પ્રાપ્ત સંયત મનુષ્યોને જ હોય છે.
તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગબંધ :- તૈજસ અને કાર્મણ શરીરના વ્યાપારથી થતા બંધને ક્રમશઃ તૈજસ અને કાર્મણ શરીર પ્રયોગબંધ કહે છે. તે સર્વ સંસારી જીવોને અનાદિકાલીન છે.
સર્વ બંધ-દેશબંધ– ઔદારિક, વૈક્રિય શરીરની ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ જે આહાર ગ્રહણ કરે છે, તેને સર્વબંધ કહે છે. તેમજ વૈક્રિય કે આહારક લબ્ધિથી જ્યારે વૈક્રિય કે આહારક શરીર બનાવે, ત્યારે પ્રથમ સમયે સર્વબંધ થાય છે. તેની સ્થિતિ એક સમયની જ હોય છે. તૈજસ, કાર્મણ શરીરને સર્વ બંધ નથી. ઔદારિક, વૈક્રિય કે આહારક શરીરમાં સર્વબંધ સિવાયના શેષ સમયે જીવન પર્યત દેશબંધ હોય છે. લબ્ધિજન્ય વૈક્રિય શરીરમાં તથા આહારક શરીરમાં પ્રથમ સમય સિવાય જ્યાં સુધી તે શરીર રહે ત્યાં સુધી દેશ બંધ થાય છે. તૈજસ-કાશ્મણ શરીરમાં સદા દેશબંધ જ હોય છે. વાટે વહેતી અવસ્થામાં ઔદારિકાદિ ત્રણે સ્થૂલ શરીરનો દેશબંધ કે સર્વબંધ થતો નથી.
પાંચે શરીર પ્રયોગબંધની સ્થિતિ અને અંતર સૂત્રાર્થથી જાણવા. પાંચે શરીર પ્રયોગબંધનું અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા આહારકના સર્વબંધક (૨) તેનાથી તેના દેશબંધક સંખ્યાતગુણા (૩) તેનાથી વૈક્રિયના સર્વબંધક અસંખ્યાતગુણા (૪) તેનાથી તેના દેશ બંધક અસંખ્યાતગુણા (૫) તેનાથી તૈજસ કાર્મણના અબંધક(સિદ્ધ) અનંતગુણા (૬) તેનાથી ઔદારિકના સર્વબંધક અનંતગુણા (૭) તેનાથી તેના અબંધક વિશેષાધિક (૮) તેનાથી તેના દેશબંધક અસંખ્યાતગુણા (૯) તેનાથી તૈજસ કાર્મણના દેશબંધકવિશેષાધિક (૧૦) તેનાથી વૈક્રિયના અબંધક વિશેષાધિક (૧૧) તેનાથી આહારકના અબંધક વિશેષાધિક છે.