________________
[ ૧૮૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ગ્રહણાકર્ષની અપેક્ષાએ કોઈ એક જીવે ઐર્યાપથિક કર્મ (૧) બાંધ્યું, બાંધે છે, બાંધશે યાવતુ (૫) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે, ત્યાં સુધી પાંચ ભંગનું કથન કરવું. છઠ્ઠો ભંગ(બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં) ન કહેવો જોઈએ. (૭) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતા નથી, બાંધશે. (૮) કોઈ એક જીવે બાંધ્યું નથી, બાંધતા નથી અને બાંધશે નહીં.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ઐર્યાપથિક કર્મબંધનો સૈકાલિક વિચાર કર્યો છે. જેમાં ભવાકર્ષ અને ગ્રહણાકર્ષની વિવક્ષા કરીને સ્પષ્ટીકરણ કર્યું છે. ભવાકર્ષ:- અનેક ભવોમાં ઉપશમ શ્રેણીના સમયે ઐર્યાપથિક કર્મ પુદ્ગલોનું આકર્ષ-ગ્રહણ કરવું તે ભવાકર્ષ છે. ગ્રહણાકર્ષ:- એક ભવમાં ઐર્યાપથિક કર્મ પુદ્ગલોનું ગ્રહણ કરવું તે ગ્રહણાકર્ષ છે. ભવાકર્ષની અપેક્ષાએ આઠ ભંગનું સ્પષ્ટીકરણ - ૧. બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે :- પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેવા ઉપશમશ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી, તે સમયે ઐર્યાપથિક કર્મ બાંધ્યું હતું, વર્તમાનમાં ઉપશમ શ્રેણી પર સ્થિત છે, તેથી બાંધે છે અને ભવિષ્યકાલમાં (આગામીભવમાં) તે જીવ ક્ષપક શ્રેણી કરશે, ત્યારે બાંધશે.
૨. બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે નહીં :- પૂર્વે ઉપશમ શ્રેણી કરી હોય તેવા ક્ષેપક શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી, ત્યારે બાંધ્યું હતું, વર્તમાન ભવમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે અને તે જ ભવમાં મોક્ષે જશે, તેથી ભવિષ્ય કાલમાં બાંધશે નહીં. ૩. બાંધ્યું હતું, બાંધતો નથી અને બાંધશે - ઉપશમ શ્રેણીથી પતિત જીવ. યથા- તે જીવે પૂર્વ ભવમાં ઉપશમ શ્રેણી કરી હતી ત્યારે બાંધ્યું હતું. વર્તમાનમાં શ્રેણી કરતા નથી, તેથી બાંધતા નથી, પરંતુ ભવિષ્યમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે.
૪. બાંધ્યું હતું, બાંધતો નથી, બાંધશે નહીં :- અયોગી કેવળી. યથા- તે જીવ ચૌદમા ગુણસ્થાને સ્થિત છે, તેણે ભૂતકાળમાં તેરમા ગુણસ્થાને બાંધ્યું હતું પરંતુ વર્તમાનમાં બાંધતા નથી અને ભવિષ્યકાલમાં પણ બાંધશે નહીં.
૫. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે - ઉપશમ શ્રેણી પર સ્થિત જીવ. યથા- તે જીવે પૂર્વે ભૂતકાળમાં ક્યારે ય બાંધ્યું નથી, વર્તમાને ઉપશમ શ્રેણીમાં બાંધે છે. આગામી કાલમાં ઉપશમ કે ક્ષપક શ્રેણી કરશે ત્યારે બાંધશે.