________________
૪૩૦
શ્રી ભગવતી સૂત્ર
વાલકની વાત પરનો વિશ્વાસ દઢ બન્યો અને સ્તૂપને સંપૂર્ણ ભાંગી નાખ્યો. સૂપનો નાશ થતાં જ કોણિકે વૈશાલીનો કોટ ભાંગી નાખ્યો અને નગરીમાં પ્રવેશ કરી તેનો સંપૂર્ણ નાશ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
આ અવસર્પિણી કાલનું મહાયુદ્ધ બાર વર્ષના અંતે વિરામ પામ્યું. રાજા ચેટક – રાજા કોણિકે રાજા ચેટકને સંદેશ મોકલ્યો કે "તમે મારા પૂજનીય છો, હવે હું આપનું શું પ્રિય કરું?" ચેટકે ખિન્ન હૃદયે કહ્યું, "હે રાજન! તમે વિજયના ઉત્સવમાં ઉત્સુક છો, તથાપિ જરા વિલંબથી નગરીમાં પ્રવેશ કરજે. કોણિકે તે વચનનો સ્વીકાર કર્યો.
તે સમયે રાજા ચેટકની પુત્રી સુજ્યેષ્ઠાનો પુત્ર સત્યકી હતો. તે આકાશગમનની વિદ્યાનો ધારક હતો. તેણે વિચાર્યું કે મારા માતામહ-નાનાજીની પ્રજાને શત્રુઓ લૂંટી લે તે મારાથી કેમ જોવાય? વિદ્યાના પ્રયોગથી મારે કોઈ પણ ઉપાય કરવો જોઈએ." સત્યકીએ તરત જ નિર્ણય કરીને નગરજનોને વિદ્યાપ્રભાવથી પુષ્પમાળાની જેમ નીલવાન પર્વત પર લઈ ગયો અને સર્વનું રક્ષણ કર્યું.
રાજા ચેટક સંસારની પલટાતી પરિસ્થિતિઓને જોઈને જીવનથી ઉદાસ બની ગયા. તેઓ મરવા માટે લોઢાની પૂતળીને ગળે બાંધીને અનશન કરીને જળાશયમાં કુદી પડ્યા. તેમને ડૂબતા જોઈને ધરણેન્દ્ર પોતાનો સાધર્મિક જાણીને ઉપાડી લીધા અને પોતાના ભવનમાં લઈ ગયા. ત્યાં રાજા ચેટકે નિર્ભય બનીને અનશનની અંતિમ આરાધના કરી અને અંતે કાલધર્મ પામી દેવલોકમાં ગયા. રાજા કોણિક - એકદા પ્રભુ મહાવીર ચંપાનગરીમાં પધાર્યા. કોણિક પ્રભુના દર્શનાર્થે ગયો. ધર્મોપદેશ સાંભળી પ્રશ્ન પૂછ્યો- "હે પ્રભો ! જે ચક્રવર્તી જીવન પર્યત ભોગ વિલાસમાં આસક્ત રહે છે તેની કઈ ગતિ થાય છે?" ભગવાને કહ્યું– તે સાત નરકમાંથી કોઈ નરકમાં જાય છે. તેણે પુનઃ પ્રશ્ન કર્યો– "હે પ્રભો! મારી કઈ ગતિ થશે? ભગવાને કહ્યું – તું મરીને છઠ્ઠી નરકમાં જઈશ. હે પ્રભો! હું સાતમી નરકમાં કેમ ન જઈ શકું? પ્રભુએ કહ્યું, કોણિક ! તું ચક્રવર્તી નથી. તારો પાપાનુબંધ ચક્રવર્તી જેટલો તીવ્રતમ નથી. કોણિકની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેણે વિચાર્યું કે હું કાંઈ ચક્રવર્તીથી અલ્પસામર્થ્યવાળો નથી. તરત જ લોખંડના સાત એકેન્દ્રિય રત્ન તૈયાર કરાવ્યા. પદ્માવતીને સ્ત્રીરત્ન માનીને, હસ્તિરત્ન વગેરે બીજા છ પંચેન્દ્રિય રત્નને કલ્પી લીધા. આ રીતે ચૌદ રત્નો હસ્તગત કરીને ભરતક્ષેત્રના છ ખંડને સાધવા નીકળ્યા. ક્રમશઃ તમિસ્રા ગુફા પાસે આવી દંડ વડે કપાટ પર ત્રણ વાર તાડન કર્યું. તેથી તમિસા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવ કોપિત થયા અને કહ્યું, ભરતક્ષેત્રમાં બાર ચક્રવર્તી થઈ ગયા છે, તું હવે કોણ છે? કોણિકે પોતાનું અભિમાન છોડ્યું નહીં. કમાલ દેવે કોણિકને ભસ્મીભૂત કરી નાંખ્યો અને મરીને છઠ્ઠી નરકે ગયો. પ્રભુના વચન યથાર્થ થયા. આ રીતે મહાસંગ્રામના વિજેતા પોતાના દુષ્કૃત્યોને ભોગવવા નરકગામી બન્યા.
કથા ગ્રંથોના આધારે વર્ણિત આ લેખનમાં સૂત્રથી કંઈ પણ ઓછું અધિક નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડં.....