________________
નામ જ આયુષ્ય કર્મ છે. સાતકર્મના ફળ ભોગવવા માટે નવા ભવનું આયુષ્ય બાંધવું પડે છે. પ્રત્યેક જીવના આયુષ્ય કર્મ અલગ–અલગ રીતે બંધાય છે. એક જીવ એક ભવમાં એક જ આયુષ્ય ભોગવે છે, બે ભવના આયુષ્ય એક સમયમાં એકી સાથે એક જીવ ક્યારેય ભોગવી શકતો નથી. આ ભવના ભોગવાતા આયુષ્યના અંતભાગ સાથે આગામી ભવના આયુષ્યનો પ્રથમ ભાગ અરસ પરસ બંધાય છે, તે ગ્રંથિકા કહેવાય છે. તે બંધાય છે આ ભવમાં; પછી તેને ભોગવવા જવું પડે છે પરભવમાં. ત્યાં પણ નવું શરીર ઉત્પન્ન કરીને ભોગવવું પડે છે. આ રીતે ભગવતી મૈયાએ અનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ વાતો સમજાવી નિર્ણય કરાવ્યો કે જીવ એક ભવમાં એક આયુષ્ય ભોગવે છે, બે આયુષ્ય ભોગવતો નથી. પ્રયોગ-૪:- આ પ્રયોગમાં શબ્દ ધ્વનિનું વિજ્ઞાન સમજાવ્યું. શબ્દ કાનની સાથે જ્યારે સ્પષ્ટ થાય ત્યારે સંભળાય. કયા પ્રકારના વાજીંત્રનો ધ્વનિ છે, કઈ વ્યક્તિનો કે કયા પદાર્થમાંથી ધ્વનિ કેવો બહાર આવી રહ્યો છે, તેને છદ્મસ્થ મનુષ્ય કાનના માધ્યમ દ્વારા સાંભળીને નિર્ણય કરે છે. કેવળજ્ઞાની ભગવાન શ્રોતેન્દ્રિયાદિના માધ્યમ વિના પ્રત્યક્ષ કે પરોક્ષ શબ્દાદિ પદાર્થનું વર્ણન કેવળજ્ઞાન વડે જાણે–દેખે સમજે છે. તેઓ ઈન્દ્રિયાતીત વસ્તુને આરપાર જાણવાની શક્તિ ધરાવે છે. આ વાત સાંભળી કુમારોએ પ્રશ્ન કર્યો
હે માતા! કેવળી ભગવાન પદાર્થોને જાણી–દેખી હાસ્યાદિ કરે? મારા વ્હાલા કુમારો ! હાસ્ય, ક્રીડા, વિનોદ, નિદ્રા કર્મના આવરણવાળા છદ્મસ્થ જીવોને જ હોય છે. કેવળીને મોહજન્ય હાસ્યાદિ ક્રીડા કંઈ ઉત્પન્ન ન જ થાય કારણ કે તેઓએ મોહકર્મ નષ્ટ કરી દીધું છે. તે તો સદા પ્રસન્ન બની સ્વ ગુણમાં રમે છે. આ રીતે કર્મધારી તથા કેવળી વચ્ચેનો તફાવત સમજાવ્યો. ત્યાર પછી દેવોનું ગર્ભ સાહરણ કરવાનું સામર્થ્ય દર્શાવ્યું. ત્યારપછી બાલસુલભ સહજ સંસ્કાર મોક્ષગામી આત્મામાં પણ કેવી રીતે ઊભરી આવે છે અને કાચા પાણીમાં મારી નાવ તરે નાવ તરે તેવી ક્રીડા કરતા બાલમુનિ અતિમુક્તક અણગારની વાત ભગવતી મૈયાએ બંને કુમારોને સંભળાવી; નજરે નિહાળવા છતાં મુનિવરોએ હીલણા, નિંદા, ખ્રિસણા કરી કર્મ બાંધવા નહીં, તે સમયે પ્રભુ મહાવીરે સ્થવિર મુનિ ભગવંતોને દીધેલી હિતશિક્ષાની વાતનો સંદર્ભ તે બંને કુમારોને સમજાવ્યો. અરિહંત પરમાત્મા સતત ઉપયોગમાં તલ્લીન રહે છે. ત્રિકાળ સંબંધી સર્વ વાતને જાણતા હોવા છતાં મનોવિજ્ઞાની દેવો અથવા કોઈપણ વ્યક્તિ મનોલબ્ધિ દ્વારા જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે તેને સમજાવવા માટે જ કેવળી મનોયોગનો પ્રયોગ કરે છે. તેનું રહસ્ય ગૌતમ સ્વામી કેમ સમજ્યા તે વિસ્તારથી કહ્યું.