________________
| શતક-૬ઃ ઉદ્દેશક-૧૦,
[ ૨૮૭ ]
શતક-૬ : ઉદ્દેશક-૧૦
- સંક્ષિપ્ત સાર
,
આ ઉદ્દેશકમાં અન્ય જીવના સુખ દુઃખને દેખાડવાની અશક્યતા, જીવનું સ્વરૂપ, જીવનું પ્રાણધારણ, ભવી, અભવી જીવ અને નારક આદિનો સંબંધ, એકાંત સુખ દુઃખવેદના, જીવ દ્વારા ગૃહીત પુદ્ગલોની યોગ્યતા અને કેવળીના જ્ઞાનની અનંતતા વગેરે વિષયોનું નિરૂપણ છે. * અન્યતીર્થિકોનું કથન છે કે રાજગૃહીના લોકોના સુખ દુઃખને બહાર કાઢીને કોઈ દેખાડી શકતા નથી. કેવળી ભગવાનનું કથન છે કે કેવળ રાજગૃહીના જ નહીં પરંતુ સમસ્ત લોકના કોઈપણ જીવોના સુખ-દુઃખોને બહાર કાઢીને કોઈ દેખાડી શકતા નથી. જે રીતે કોઈ ક્ષેત્ર ગંધ પુગલોથી વ્યાપ્ત થઈ જાય, તો તેની ગંધને અનુભવી શકાય પરંતુ ગંધ રૂપી હોવા છતાં તેને કોઈદેખાડી શકે નહીં. તે જ રીતે સુખ દુઃખ અનુભવી શકાય છે. પરંતુ અરૂપી હોવાથી તેને કોઈ દેખાડી શકે નહીં. * શુદ્ધ જીવાત્મા જીવરૂપ છે અને સંસારના જીવો પણ જીવાત્મ સ્વરૂપ છે અથવા જીવ ચૈતન્ય સ્વરૂપ છે, જે ચૈતન્યસ્વરૂપ છે, તે જ જીવ છે. જીવ દ્રવ્યને તેના ચૈતન્યધર્મ સાથે અવિનાભાવ સંબંધ છે. તેથી જ બંનેમાં અભેદોપચાર કરી જીવને ચૈતન્ય સ્વરૂપ અને ચૈતન્ય સ્વરૂપને જ જીવ કહ્યો છે. * નૈરયિકાદિ ૨૪ દંડકના જીવો જીવરૂપ જ છે પરંતુ જીવ છે તે નારકાદિ રૂપે એકાંતે નથી. કારણ કે નારકાદિ પર્યાય તેની એક મર્યાદિત સમયની અવસ્થા છે. તેની પ્રત્યેક અવસ્થાઓ પરિવર્તનશીલ છે. * દ્રવ્ય પ્રાણ ધારણ કરે તે જીવ છે પરંતુ જીવ દ્રવ્યપ્રાણને ધારણ કરે તેમ એકાંતે નથી. કારણ કે સિદ્ધ જીવ છે, પરંતુ તેમાં દ્રવ્ય પ્રાણ નથી. * જીવ છે તે ભવી કે અભવી હોય અથવા ન પણ હોય પરંતુ ભવી અભવી તો અવશ્ય જીવ જ છે, ભવ્યત્વ અને અભવ્યત્વ જીવનો પારિણામિક ભાવ છે આ બંને ભાવ સિદ્ધાવસ્થામાં નથી તેથી તેની સાથે જીવને અવિનાભાવ સંબંધ નથી. * જીવ છે તેને એકાંત દુઃખ કે સુખવેદના નથી; નારકોને પ્રાયઃ અશાતા છે પરંતુ ક્યારેક શાતા છે, દેવોને એકાંત શાતા છે પરંતુ ક્યારેક અશાતા છે, મનુષ્ય અને તિર્યંચને વિમાત્રાથી(વિવિધ પ્રકારે) શાતા અશાતા હોય છે. * જીવ આત્મક્ષેત્રાવગાઢ પુદ્ગલોને ગ્રહણ કરી શકે છે, અનંતર કે પરંપરાવગાઢ પુલોને ગ્રહણ કરતા નથી. * કેવળીનું જ્ઞાન અનાવરણ, અપરિમિત અને સંપૂર્ણ છે, તેથી તેને ઈન્દ્રિયોના અવલંબનની જરૂર નથી. સમસ્ત પદાર્થો તેના જ્ઞાનમાં સહજ જણાય છે.