________________
૩૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
અજીવ દ્રવ્યનો દેશ છે, તે અગુરુલઘુ છે તથા અનંત અગુરુલઘુ ગુણથી સંયુક્ત છે અને તે સર્વાકાશથી અનંતમો ભાગ ન્યૂન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આકાશના બે ભેદનું કથન કરીને તેમાં જીવ, અજીવાદિનાદેશ, પ્રદેશના અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે. આકાશના બે ભેદ :- લોકાકાશ અને અલોકાકાશ. આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેમ છતાં જેટલાં આકાશમાં ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યો સ્થિત છે, તેને લોકાકાશ અને શેષ આકાશને અલોકાકાશ કહે છે. લોકાકાશ સીમિત છે જ્યારે અલોકાકાશ અનંત છે.
લોકાકાશમાં જીવ, અજીવાદિન અસ્તિત્વ :- નૈયાયિક, વૈશેષિક આદિ કેટલાક દાર્શનિકો આત્માને વ્યાપક અને નિરવયવ માને છે. જેના દર્શનાનુસાર આત્મા દેહ પરિમાણ અને સાવયવ છે. આ અપેક્ષાને ધ્યાનમાં રાખીને, જીવના દેશ, પ્રદેશનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.
પાંચ અસ્તિકામાં એક પુદ્ગલ દ્રવ્યમાં જ દેશની સંભાવના છે. પુદ્ગલ દ્રવ્યના બે પ્રકાર છે– પરમાણુ અને સ્કંધ. પરમાણુઓ જ્યારે ભેગા થાય છે ત્યારે અંધ બને છે અને સ્કંધનો ભેદ થતાં પરમાણુ બને છે. આ રીતે પુદ્ગલ દ્રવ્ય ક્યારેક વિભક્ત અને ક્યારેક અવિભક્ત રહે છે. તેથી તેના દેશની સંભાવના છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એક અને અખંડ દ્રવ્ય છે. તે સર્વથા અવિભક્ત છે. તે અસંખ્ય પ્રદેશાત્મક હોવા છતાં તેનો એક પ્રદેશ પણ દ્રવ્યથી પૃથક થતો નથી. તેથી સૂત્રકારે તેના દેશનો નિષેધ કર્યો છે.
જીવાસ્તિકાયના દેશનું વિધાન સાપેક્ષ દષ્ટિએ કર્યું છે. સંખ્યાની દષ્ટિએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે ત્રણે એક દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલ અનંત છે. અનંત જીવોની અપેક્ષાએ એક જીવને જીવોનો દેશ કહી શકાય છે. અથવા સંસારી જીવોને અંગોપાંગ, હાથ પગ આદિ હોય છે. તે અવયવોની અપેક્ષાએ જીવના દેશ કહી શકાય છે.
વૃત્તિકારે સંકોચ-વિસ્તારની અપેક્ષાએ જીવની વ્યાખ્યા કરી છે, તેના મતાનુસાર એક જીવના સ્થાનમાં અનેક જીવોના દેશ હોય શકે છે, તે દષ્ટિએ જીવના દેશનું વિધાન કર્યું છે.
ચૂર્ણિકારના મંતવ્ય અનુસાર અરૂપી દ્રવ્યનું પ્રતિપાદન સમુદાય અથવા એક સ્કંધના રૂપમાં જ કરાય છે. તે સ્કંધ પ્રદેશાત્મક છે, દેશાત્મક નથી. પ્રદેશ અવસ્થિત છે. દેશ અનવસ્થિત હોય છે. તેથી અરૂપી દ્રવ્ય સાથે દેશનો નિર્દેશ કર્યો નથી. અરૂપી દ્રવ્ય સાથે જે દેશ શબ્દનો પ્રયોગ પ્રાપ્ત થાય છે તે વ્યવહાર માટે થાય છે. વ્યવહારના બે પ્રકાર છે. (૧) સ્વવિષયક વ્યવહાર:- જે રીતે ધર્માસ્તિકાય પોતાના દેશથી ઉર્ધ્વલોકમાં વ્યાપ્ત છે.