________________
પરિણામે કર્મ બંધાય છે, બાંધશે, તેનું જ્ઞાન મેળવી બંધનથી મુક્ત થઈ શકાય છે. જ્ઞાન આત્મનો ગુણ છે, ભવોભવ સુધી સાથે રહે છે. જગતના કયા પદાર્થો, કયા ભાવો જીવની સાથે રહે અને કયા ભાવો જીવોની સાથે ન રહે, તે વિષયને સમજીને જે આત્મસંવૃત્ત બને છે, તે સિદ્ધ થાય છે અને જે આત્મસંવૃત્ત ન બને તે અસંવૃત્ત અણગાર ભવભ્રમણ કરે છે. બંને કુમારો દુઃખમુક્તિના એક-એક ઉપાયો જાણી પ્રસન્ન થયા. જિજ્ઞાસા આગળ વધી, જે જે પ્રશ્ન થતાં ગયા તે તે ઉત્તરો મળતાં ગયા.
પાઠ-૨ ઃ તેમાં સ્વકૃત વેદના, કર્મનો સિદ્ધાંત સમજાવ્યો. જીવ જે કર્મ અથવા આયુષ્ય બાંધે છે, તેને ભોગવે છે. ૨૪ દંડકના જીવોમાં કર્મજન્ય ભાવો, આહાર, શ્વાસોચ્છ્વાસ, સ્થિતિ, લેશ્યા આદિનું વિશદ વર્ણન કર્યું. સંસાર સંસ્થાનકાળ, અંતક્રિયા, ઉપપાત, અસંજ્ઞી જીવોનું આયુષ્ય વગેરેનો બોધ કરાવ્યો.
ત્યાર પછી ક્રમશઃ ચાલીસ ઉપખંડમાં પ્રવેશ કરાવી, એક એક પાઠમાં આત્મશુદ્ધિના ઉપાયોનું દર્શન કરાવ્યું. કાંક્ષા મોહનીયકર્મ બંધન, વેદન, તેનો નાશ, અસ્તિત્ત્વ, નાસ્તિત્ત્વ, ઉદીરણા, કર્મપ્રકૃતિ, પરલોક ક્રિયા, પતન, કર્મક્ષયથી મોક્ષ, પુદ્ગલનું નિત્યત્વ, ત્રણે લોકના સ્વરૂપે નારક, અસુરકુમારાદિના આવાસ, સ્થિતિ, અવગાહના, શરીર, લેશ્યા, સૂર્યોદય, સૂર્યાસ્ત, સ્નેહકાય, વિગ્રહગતિ, ગર્ભવિચાર, બાલ, પંડિત અને બાલપંડિતનો આયુષ્યબંધ, મૃગઘાતકાદિને લાગતી ક્રિયા, જીવના વિજય-પરાજયનું કારણ, વીર્ય વિચાર, જીવનું ગુરુત્વ-લઘુત્વ, કાલાસ્યવેષિ અણગારની પ્રશ્નોત્તરી, અપ્રત્યાખ્યાન ક્રિયા, આધાકર્મ દોષયુક્ત અને દોષરહિત આહાર સેવનનું ફળ, સ્થિર-અસ્થિરાદિ પ્રકરણ, પરમાણુઓના વિભાગ, ભાષા-અભાષા, ઈર્ષાપથિકક્રિયા અને સાંપરાયિક ક્રિયા, મડાઈ અણગાર, આર્ય સ્કંદક અને નિગ્રંથ ગૌત્રીય પિંગલ શ્રાવકનો સંવાદ, સ્કંદક દીક્ષા, સમુદ્ઘાત, પૃથ્વી, ઈન્દ્રિય, પરિચારણા, તુંગિયા નગરીના શ્રાવકોના પ્રશ્નોત્તર, રાજગૃહ નગરમાં ગરમ પાણીના કુંડ, ચમરચંચા રાજધાની, સમયક્ષેત્ર, પંચાસ્તિકાયનું વર્ણન, જીવનું સ્વરૂપ, આકાશના ભેદ, ધર્માસ્તિકાયાદિની સ્પર્શના વગેરે ૪૦ પાઠ દ્વારા લોકાલોકના સ્વરૂપનો બોધ કરાવ્યો.
આ રીતે કષાયાનંદ અને વિષયાનંદ કુમારને ૪૦ ઉપખંડમાં પ્રવેશ કરાવી, વિવિધ અનુષ્ઠાનના વિવિધ પ્રયોગ શિખવ્યા જેમ બ્લીચીંગથી વસ્ત્રમાં પડેલો ડાઘ દૂર થાય, તેમ તેના કષાય અને વિષય મંદ પડવા લાગ્યા. આનંદ ઝળકવા લાગ્યો. આગળ કેવી કેવી વાતો આવશે તે બીજા ભાગમાં જોઈશું.
પ્રિય ! પાઠક આ વિરાટ આગમના અનુવાદિકા છે અમારા સુશિષ્યા આગમપ્રજ્ઞા ડૉ. આર્યા આરતી. તે વિદ્યાપીઠમાં આગમનો અભ્યાસ કરી આગળ વધ્યા છે. તેની યાદદાસ્ત અને બુદ્ધિ તીવ્ર છે, ક્ષયોપશમ જોરદાર છે, કાર્ય કરવાની કુશળતા, દક્ષતા, ચીવટપૂર્વકની છે.
29