________________
રૂપવાળા બનતા દષ્ટિગોચર થાય, મન દ્વારા વિચાર રૂપે પ્રગટે, તે જ રીતે કાન, નાક, રસના દ્વારા સાંભળવા રૂપે, શ્વાસોશ્વાસ રૂપે કે સ્વાદ રૂપે જણાય છે. તાત્પર્ય એ છે કે આત્મા પૂર્ણ શરીરમાં વ્યાપક હોવા છતાં તે ભાવોના મુખ્ય દ્વાર મસ્તકમાં રહીને પ્રગટ થાય છે. આ છે મસ્તકની અનેક પ્રકારની ખૂબીઓ.
આ મસ્તક રૂપે છે આપણું પાંચમું અંગ શ્રી ભગવતી સૂત્ર. આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર બંને ચરણ સમા છે, તો ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્ર બંને કર સમા છે. તો ચાલો આપણે મસ્તક સમ આ પ્રસ્તુત સૂત્રની સહેલગાહ કરીએ..
ચિત્તમાં અવધારો કે અનાદિ વિભાવ પરિણતિ દેવી અને મોહ રાજાના બે કુમાર કષાયાનંદકુમાર એવં વિષયાનંદકુમાર, બંને કુમાર મુસાફરી કરતાં કરતાં ભગવતી દેવીની પ્રયોગ શાળામાં આવી ચઢ્યા. આ પ્રયોગશાળા જોતાં જ થંભી ગયા, અવાક બની ગયા. આ રીતે ઊભેલા કુમારોને ઉદ્દેશીને ભગવતી મૈયાએ પ્રશ્ન કર્યો તમે કોણ છે? કયાંથી આવ્યા છો ? તે પ્રશ્ન સાંભળી બંને કુમારો સંકોચાઈને બોલ્યા, બહુ વરસોથી મુસાફરી કરી રહ્યા છીએ, આખા વિશ્વને જોયું પણ આવી પ્રયોગશાળા જોઈ નથી. આ પ્રયોગશાળામાં શું શું શીખવા મળશે તેનો વિચાર કરતા અમે ઊભા રહ્યા છીએ. આપ કોણ છો ? આપની ઓળખ કરવા આ બંને ભાઈઓ આતુર છે, ત્યારે ભગવતીજી મૈયા બોલ્યા, મારા પિતા અરિહંત અને માતા કરુણાદેવી છે. તેની પુત્રી જિનવાણી યાને ભગવતી કુમારી મારું નામ છે. મારા પિતાશ્રીએ આ મકાન મને સોંપ્યું છે. તેના ૪૧ ખંડ અને ૧૯૨૫ પેટા વિભાગ કરીને એક પ્રયોગશાળા રચી છે. ૩૬૦૦૦ પ્રશ્નોના ઉત્તરો દ્વારા પ્રયોગ શીખવાડીએ છીએ. તે પ્રયોગ દ્વારા આત્મા જણાય છે. જે આત્મા જાણે છે તે માતુશ્રી અને પિતાશ્રીના બુદ્ધ પુત્ર બની જાય છે. આ વાત સાંભળી બંને કુમારે પ્રભાવિત થયા. તેઓએ હાથ જોડી, મસ્તક નમાવીને કહ્યું, અમને પણ આ પ્રયોગ શીખવાડશો ? પ્રત્યુત્તરમાં હા મળી ત્યારે તે દેવીએ બંને કુમારોને પ્રવેશ કરાવી સાદિ અનંતા દેવીના હાથમાં સોંપી દીધા. તે દેવીએ કહ્યું કે તમે મારા જ પુત્ર છો. અત્યાર સુધી હું તમને શોધતી હતી. કારણ કે તમારો ઉછેર મોહરાજા પાસે થયો. તમને જન્મ આપી, મોહરાજાથી કંટાળી હું પિયર ચાલી ગઈ છું. તમને મોટા કરનાર અપર માતા છે, બોલો પ્યારા બાળકો ! અપર માતાએ તમોને કેવા કેવા દુઃખ આપ્યા ? બંને બાળકો વર્ષો પછીના માતાના વાત્સલ્ય સભર શબ્દો સાંભળીને ખૂબ-ખૂબ રડી પડ્યા. માતાએ તેમને શાંત કર્યા અને કહ્યું, બોલો તમને શું જોઈએ છે? તેઓએ કહ્યું,આનંદ. ત્યારે સાંતતા દેવીએ કહ્યું, આનંદ તમે જ છે. જૂઓ તમારું નામ શું છે ? કષાય+આનંદ+કુમાર, વિષય+આનંદ+કુમાર. આનંદ, કષાય અને કુમાર વચ્ચે, વિષય અને કુમાર વચ્ચે આવરિત થયો છે.