________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
શ્રી ઠાણાંગસૂત્ર અને સમવાયંગસૂત્ર જૈનતત્ત્વજ્ઞાનના કોષ સમાન છે. જૈનતત્ત્વજ્ઞાનના પ્રાયઃ વિષયોનો તેમાં સમાવેશ થાય છે. તે ઉપરાંત કેટલીક ઐતિહાસિક ઘટનાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષ્ક ચક્ર, વગેરે વિષયો પર વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય છે.
સંપૂર્ણ આગમમાં નાના નાના સૂત્રો જ સંગ્રહિત છે. તે ઉપરાંત સંખ્યાની દ્દષ્ટિએ વિષયોનું સંકલન હોવાથી વિષયમાં કોઇ ક્રમ નથી તેથી શબ્દિક રીતે સરળ પ્રતિત થતાં આ આગમના ભાવોને પૂર્ણપણે ઉદ્ઘાટિત કરવા, તે ઊંડાણ ભરેલું કાર્ય બની જાય છે.
કેવળ સૂત્રો અને અર્થ વાંચવા માત્રથી પાઠકોને સંતોષ થતો નથી પરંતુ તે તે વિષયોની અપેક્ષા, તે વિષયોના આનુષંગિક વિષયોની જાણકારી સાથે વિષયનું સ્પષ્ટીકરણ મળે, ત્યારે જ પાઠકો આગમના ભાવોને પામી શકે છે. આ આગમના સંપાદનમાં અમોએ તે લક્ષ્ય પૂર્ણ કરવાનો પુરુષાર્થ કર્યો છે. આ સમયે એમોને અન્ય આગમોનું કરેલું સંપાદન ઘણું ઉપયોગી થયું છે.
ચોથા સમવાયમાં ધ્યાનના ચાર પ્રકારના નામ માત્રનું કથન છે. ધ્યાન, સાધક જીવનની પુષ્ટિ માટે ઔષધિ સમાન છે. તેની વિસ્તૃત જાણકારી, પ્રશસ્ત- અપ્રશસ્ત ધ્યાનની સમજણ ઔપપાતિક સૂત્ર તથા અન્ય ગ્રંથોના આધારે આપી છે. તે જ રીતે ચૌદમા સમવાયમાં ચૌદ ગુણસ્થાનોના નામ છે. ગુણસ્થાનનું સ્વરૂપ અન્ય આગમોમાં પણ નથી. તેમ છતાં સાધકોને આત્મનિરિક્ષણમાં પોતાની વાસ્તવિક પરિસ્થિતિને જાણવા માટે તેનું જ્ઞાન જરૂરી છે. આ પ્રકારના આધ્યાત્મિક વિષયોની ઉપયોગિતા સ્વીકારીને તે
30