________________
શ્રી સમવાયાંગ સૂત્ર
આ ગુણસ્થાનમાં અવસ્થિત પરિણામ રહે છે. તેની સમયમર્યાદા પૂરી થયા પછી હીયમાન પરિણામ થાય છે, ત્યારે દસમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ આ ગુણસ્થાનની સ્થિતિમાં હીયમાન પરિણામ હોતાં નથી.
७८
(૧૨) ક્ષીણ મોહ છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાન :– દસમા ગુણસ્થાને રહેલા ક્ષપક શ્રેણીવાળા જીવો, સંજવલનના સૂક્ષ્મ લોભનો ક્ષય થવાથી, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જવાથી, બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી તેને ક્ષીણમોહ, મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી જીવ વીતરાગ દશાનો અનુભવ કરે છે અને શેષ ત્રણ ઘાતી કર્મનો ઉદય હોવાથી તે જીવ છદ્મસ્થ છે, તેથી આ ગુણસ્થાન ક્ષીણ મોહ છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાનના નામે પ્રસિદ્ધ છે.
તેની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે, હીયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી.
=
(૧૩) સયોગી કેવળી ગુન્નસ્થાન :– બારમા ગુણસ્થાનના અંતિમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે જીવને તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવર્તી જીવો સર્વજ્ઞ, સર્વદર્શી અર્થાત કેવળી હોય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વવર્ષની હોય છે. તેમાં અપેક્ષિત મન, વચન, કાયાના યોગ પ્રવર્તે છે, તેથી તેને સયોગી કેવળી ગુન્નસ્થાન કહે છે. આ ગુણસ્થાને કેવળી ભગવાનનું મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે યોગ નિરોધ કરે છે, તેમાં ક્રમશઃ મન, વચન, કાયાના યોગોનો નિરોધ કરી, શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં પ્રાયઃ અવસ્થિત પરિણામ જ રહે છે પરંતુ અંતિમ સમયના અંતર્મુહૂર્તમાં વર્ધમાન પરિણામ હોય છે, જેમાં યોગ નિરોધ થાય છે.
=
(૧૪) અયોગી કેવલી ગુણસ્થાન :– તેરમા ગુણસ્થાનકે યોગનિરોધ ક્રિયા અને શૈલેષી અવસ્થા પૂર્ણ થતાં જીવ ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. યોગ નિરોધના ફલ સ્વરૂપે આ ગુણસ્થાનમાં પ્રારંભથી જ શરીરના ૨/૩ ભાગમાં આત્મપ્રદેશ અવસ્થિત થઈ જાય છે. શરીરમાં તેનું કંપન પણ બંધ થઈ જાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા પણ રોકાઈ જાય છે.
આ ગુણસ્થાને માત્ર વર્ધમાન પરિણામ હોય છે. અ, ઈ, ઉં, ૠ, ભૃ એ પાંચ લઘુ અક્ષરના ઉચ્ચારણ ના કાલપ્રમાણ તેની સ્થિતિ છે. સ્થિતિ પૂર્ણ થતાં અંતિમ સમયે ચાર અઘાતિકર્મોનો ક્ષય કરી જીવ સંપૂર્ણ કર્મરહિત, નિરંજન, નિરાકાર, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
સર્વ કર્મો, કર્મજન્ય ભાવો તથા સૂક્ષ્મ અને સ્થૂલ શરીરનો સર્વથા ત્યાગ કરી, ઋજુ શ્રેણીએ, અસ્પૃશદ્ ગતિએ સાકારોપયોગમાં વર્તતાં તે જીવ એક સમય માત્રમાં સિદ્ધ થાય છે. ત્યારે જીવ ૧૪ મા ગુણસ્થાનને પણ છોડી સિદ્ધ અવસ્થામાં સદાને માટે સાદિ અનંત સ્થિતિએ લોકાગ્રે અવસ્થિત થાય છે. ત્યાં રહેલા સિદ્ધોના આત્મપ્રદેશ અંતિમ શરીરના ૨/૩ ભાગની અવગાહનાએ શરીર સંસ્થાનના ઘનરૂપે અવસ્થિત રહે છે.