________________ સ્થાન- 10. [ 389 ] ગર્ભાપહરણ કહે છે. મહાવીર સ્વામીના જીવનમાં આ અભૂતપૂર્વ ઘટના ઘટી, તીર્થકરો ઉગ્ર, ભોગ વગેરે ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થાય છે. પૂર્વકર્મના કારણે ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ઇન્દ્રની આજ્ઞાથી હરિëગમેષ દેવે ગર્ભરૂપ ભગવાનને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી ત્રિશલારાણીની કુક્ષિમાં મૂક્યા. ભગવાનના ગર્ભાપહરણનું નિરૂપણ આચરાંગ સૂત્ર “ભાવના” અધ્યયનમાં અને ગર્ભસંહરણની પ્રક્રિયાનું વિશ્લેષણ ભગવતી સૂત્ર શતક-૫, ઉદ્દે.-૪માં છે. (3) સ્ત્રી તીર્થકર - સામાન્ય રીતે પુરુષ તીર્થકર જ હોય છે. આ અવસર્પિણીમાં મિથિલાપતિ કુંભરાજાની પુત્રી મલ્લિકુમારી ઓગણીસમા તીર્થંકર થયા, તીર્થનું સ્થાપન કર્યું, તે આશ્ચર્યકારી ઘટના છે. તેઓએ પૂર્વ ભવે માયા સેવનથી સ્ત્રીવેદનો બંધ કર્યો હતો. તે કથાનક જ્ઞાતાધર્મકથા સૂત્રોનુસાર જાણવું. (4) અભાવિત પરિષદ - તીર્થંકરની દેશના સાંભળવા આવેલા શ્રોતાઓના સમુદાયને પરિષદ કહે છે. ચારિત્રધર્મ સ્વીકારવા માટે અયોગ્ય પરિષદને અભાવિત પરિષદ કહે છે. તીર્થકરની પ્રથમ દેશના સાંભળ્યા પછી કોઈ ને કોઈ વ્યક્તિ શ્રાવક વ્રત કે સાધુવ્રત ગ્રહણ કરે છે પરંતુ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછીની પ્રથમ દેશનામાં કોઈને વિરતિના ભાવ ન થયા, કોઈ જીવે વિરતિનો સ્વીકાર ન કર્યો તે આશ્ચર્યકારી ઘટના છે. (5) કૃષ્ણ વાસુદેવનું અપરકંકા નગરીમાં ગમન - ભરતાદિ એક ક્ષેત્રમાં એક જ વાસુદેવ હોય પરંતુ જુદા-જુદા ક્ષેત્રમાં એક સમયે અનેક વાસુદેવ સંભવે છે. પરંતુ એક વાસુદેવના ક્ષેત્રમાં બીજા વાસુદેવ જાય નહીં અને પરસ્પર મળે નહીં. ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા રાજધાનીમાં રહેતા પદ્મનાભ રાજાએ દેવની સહાયતાથી પાંડવપત્ની દ્રૌપદીનું હરણ કર્યું. નારદ દ્વારા આ વૃત્તાંત સાંભળી, પાંચ પાંડવ સાથે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત નામના લવણાધિપતિ દેવની મદદથી અપરકંકા પહોંચી, પદ્મનાભ સાથે યુદ્ધ કરી, શંખનાદ કરી, દ્રૌપદીને લઈ ભરત ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું, ત્યારે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ નામના વાસુદેવ ત્યાંના મુનિસુવ્રત નામના તીર્થકર પ્રભુની દેશના સાંભળતા હતા. શંખનાદ સાંભળી તીર્થંકર પ્રભુને તે વિષયક પ્રશ્ન પૂછયો. પ્રત્યુત્તરમાં કૃષ્ણ વાસુદેવનું ધાતકીખંડમાં આગમન સાંભળી, કપિલ વાસુદેવ તેમનું સ્વાગત કરવા ઉત્સુક બન્યા. તેઓ લવણ સમુદ્રને કિનારે પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણ લવણ સમુદ્રમાં ઘણા દૂર નીકળી ગયા હતા. માત્ર તેમની ધ્વજાનો અગ્રભાગ દષ્ટિગોચર થતો હતો. તે જોઈ કપિલે પંચજન્ય શંખનાદ કર્યો. શ્રીકૃષ્ણ પ્રત્યુત્તરમાં શંખનાદ કર્યો. આ રીતે ભિન્ન- ભિન્ન ક્ષેત્રના બે વાસુદેવોનું શંખનાદથી મિલન થયું. જ્ઞાતાધર્મકથામાં આ ઘટના સંબંધી વિસ્તૃત વર્ણન છે. ત્યાં બે વાસુદેવના મિલનને આશ્ચર્યકારી ઘટના કહી છે. જ્યારે પ્રસ્તુત સૂત્રમાં શસ્ત અવરેજ આ પદ દ્વારા કૃષ્ણ વાસુદેવનું અપરકંકા ગમન, તેને આશ્ચર્યકારી ઘટના કહી છે. આ રીતે સ્થાનાંગ સૂત્રમાં વાસુદેવના ક્ષેત્રાતિક્રમણને અને જ્ઞાતાધર્મકથામાં બે વાસુદેવના મિલનને આશ્ચર્યકારી ઘટના કહી છે. જ્ઞાતા સૂત્રમાં નગરીનું નામ અમરકંકા છે, જ્યારે પ્રસ્તુત સૂત્રમાં અપરકંકા નામ છે.